Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કોંગ્રેસે તેના કુશાશનમાં વિવિધ જાતિ વચ્ચે વર્ગવિગ્રહ ફેલાવ્યા :પીએમ મોદીએ કૌભાંડી નેતાઓને ખુલા પાડીને જેલના દરવાજા બતાવ્યાં: મુખ્યમંત્રી વિજયભાઈ

વડાપ્રધાન મોદીએ આતંકવાદનો ખાત્મો બોલાવી રાજકીય સ્થિરતા આપી : ડભોઇ પાલિકાના કોંગ્રેસના ૧૧ સભ્યોએ ભાજપાનો ખેસ ધારણ કર્યો

અમદાવાદ :લોકસભા ચૂંટણી માટે ડભોઇ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી જુદા જ વાતાવરણ અને મુદાઓની છે. દેશ કોના હાથમાં સલામત છે તે અત્યારનો મહત્વનો વિષય છે. ૨૦૧૪ પહેલાંની કેન્દ્રની યુ.પી.એ. સરકારની કામગીરી અને ૨૦૧૪ પછીની કેન્દ્રની એન.ડી.એ. સરકારની કામગીરીના લેખાજોખા કરી, દેશની જનતાએ કોને વડાપ્રધાનપદનું નેતૃત્વ સોંપવું તે નક્કી કરવાનું છે. 

૨૦૧૪ પહેલાંની કેન્દ્રની કોંગ્રેસ સરકારે હંમેશા પરિવારવાદને પોષ્યો છે. દેશની જનતા સમક્ષ કોંગ્રેસે જુઠ્ઠા વાયદાઓ કરી યેનકેન પ્રકારે સત્તાના સુત્રો સંભાળી ગરીબ, કિસાન, પીડિત, શોષીત, દલિત, આદિવાસી સૌનું શોષણ કર્યું છે. કોંગ્રેસે માત્ર વોટ બેંક માટે રાજનીતિ કરી છે. કોંગ્રેસે તેમના કુશાસન દરમ્યાન વિવિધ પ્રદેશોમાં અનામતના નામે વિવિધ જાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ કરાવી આંદોલનો કરાવ્યાં હતાં. જેમ કે, ગુજરાતમાં પાટીદાર આંદોલન, હરિયાણામાં જાટ આંદોલન, રાજસ્થાનમાં ગુર્જર આંદોલન, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન કરાવ્યું હતું. અને આ આંદોલનોમાં અસંખ્ય નિર્દોષ લોકોએ તેમના જીવ ગુમાવ્યાં હતાં. કોંગ્રેસના શાસન દરમ્યાન વિવિધ પ્રકારના જેવા કે, ૨જી સ્પ્રેક્ટ્રમ, કોલસા કૌભાંડ, કોમન  વેલ્થ ગેમ કૌભાંડ, ચારા કૌભાંડ જેવા અનેક કૌભાંડોની હારમાળા સર્જાઇ હતી. આ કૌભાંડો થકી તેઓએ પોતાના સગાસંબંધી અને તેમના મળતીયાઓને અબજો રૂપિયાનો ફાયદો કરાવ્યો હતો.
૨૦૧૪ પછી તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ગુજરાતમાં કરેલ વિકાસ જોઇને દેશમાં વડાપ્રધાન તરીકે તેઓની માંગ ઉઠવા પામી અને તેઓએ વડાપ્રધાન તરીકે પૂર્ણ બહુમતી સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સત્તાના સુત્રો સંભાળતાની સાથે પૂર્વ સરકારોના કૌભાંડોને ઉજાગર કરી કૌભાંડી નેતાઓને ખુલ્લા પાડી, જેલના દરવાજા બતાવ્યાં હતાં. જેનાંથી કોંગ્રેસના મળતીયાઓ અને વચેટીયાઓનો ધંધો બંધ થઇ જવા પામ્યો છે. હાલમાં આ કૌભાંડી નેતાઓ જામીન ઉપર બહાર છે

    આ કૌભાંડી નેતાઓમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાંધી અને વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. આવા કૌભાંડી નેતાઓ જામીન ઉપર બહાર હોવા છતાં આજે આપણાં લોકલાડીલા અને જેમના દામન ઉપર એક પણ દાગ નથી તેવા રાષ્ટ્રભક્ત  અને દેશના સાચા અર્થમાં ચોકીદાર સાબીત થયેલા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ચોકીદાર ચોર છે તેવા સુત્રો સાથે અપમાનીત કરી રહ્યાં છે. આવનારી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં દેશની જનતા આવા દેશદ્રોહી અને કૌભાંડી નેતાઓને  ચોકીદાર ચોર નહીં, પરંતુ ચોકીદાર શ્યોર અને પ્યોર છે, તે તેમના જનાદેશથી સાબિત કરી આપશે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં દેશમાંથી આતંકવાદનો ખાત્મો બોલવીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકીય સ્થિરતા આપી છે, ત્યારે કૌભાંડી કોંગ્રેસ અને તેમને સમર્થન કરતાં સાથી પક્ષોના નેતાઓ દ્વારા મહાગઠબંધન કરી વડાપ્રધાન બનવાની જાણે કે, હરીફાઇ લગાવી છે. પરંતુ દેશની જનતા આવા નેતાઓને સારી રીતે જાણી ગઇ છે. દેશમાં જો કોઇ સુશાસન આપી શકે તેવો પક્ષ અને કોઇ નેતા હોય તો તે એક માત્ર ભાજપા અને રાષ્ટ્રભક્ત નરેન્દ્રભાઇ મોદી જ છે, અને માટે જ આ દેશની જનતા ભાજપાના દરેક ઉમેદવારોને જંગી બહુમતીથી લોકતંત્રના આ મહોત્સવમાં વિજયી બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મજબૂત બનાવશે. 

   આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર શ્રીમતી ગીતાબેન રાઠવા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ,સાંસદ રામસિંહભાઇ રાઠવા,ધારાસભ્યો, પૂર્વધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને મહામંત્રી તેમજ અન્ય પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ડભોઇ નગરપાલિકાના કોંગ્રેસના ૧૧ સભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપાનો ખેસ ધારણ કરી લીધો હતો.

 

(12:35 am IST)