Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પાટીદારોમાં આક્રોશ ભાજપને જોરદાર ઝટકો આપે તેવા સંકેત

ટિકિટ મુદ્દે પાટીદારોને હાંસિયામાં ધકેલાયાઃ પાટીદાર આગેવાનો ભાજપની વિરૂધ્ધમાં : આંદોલનકારી સાથે સંપર્કમાં અને બેઠકોનો દોર શરૂ : ભાજપની ગણતરી

અમદાવાદ,તા. ૯: ગુજરાત લોકસભાની ચૂંટણી લઇ ટિકિટ ફાળવણીના મુદ્દે ભાજપમાં અસંતોષની જવાળા ભભૂકી છે. ખાસ કરીને પાટીદાર નેતાઓમાં આ નારાજગી  હવે સામે આવી રહી છે. સામાજીક પ્રભુત્વ ધરાવતાં પાટીદારોની ધરાર અવગણના કરવામાં આવતાં હવે ભાજપ વિરુધ્ધ અડરકરંટ માહોલ જામ્યો છે. ભાજપને રાજકીય સબક શિખવાડવાના ભાગરુપે નારાજ પાટીદારો આગેવાનો હવે અનામત આંદોલનકારીઓના સીધા સંપર્કમાં છે અને બેઠકોનો દોર શરૂ થયો છે. જેને લઇ પાટીદાર આગેવાનોમાં ભભૂકતો આક્રોશ ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં જોરદાર ઝટકો આપે તેવી જોરશોરથી ચર્ચા શરૂ થઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા બે દિવસથી પાટીદાર આગેવાનોની બેઠકો ચાલી રહી છે. ખોડલધામ , સિદસર , ઉંઝા સહિતની પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ખાનગીમાં બેઠકો યોજી રહ્યાં છે. ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીમાં મહેસાણા, અમદાવાદ પૂર્વ ઉપરાંત ઉંઝામાં પાટીદાર આગેવાનોની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વમાં વર્તમાન ધારાસભ્યને ટિકિટ અપાઇ પણ પાટીદાર આગેવાન સી.કે.પટેલનું પત્તુ બહુ સિફતતાપૂર્વક કાપી નાંખવામાં આવ્યું. તો, મહેસાણામાં જીવાભાઇ પટેલ સહિત ઘણાં પાટીદાર નેતાઓની બાદબાકી કરી પૂર્વ મંત્રી અનિલ પટેલના પત્નિ શારદાબેન પટેલને ટિકિટ અપાઇ છે. આ જ પ્રમાણે, પૂર્વ ધારાસભ્ય નારણ પટેલની ઘણી રજૂઆત છતાંય પક્ષપલટુ આશા પટેલને જ ટિકિટ અપાઇ છે. આમ, ભાજપની યુઝ એન્ડ થ્રોની નીતિ સામે ખુદ પાટીદાર આગેવાનોમાં ઉગ્ર રોષ ભભૂક્યો છે. પાટીદાર આગેવાનોએ હવે અંદરખાને ભાજપના વિરોધીઓનો સાથ આપવાનું નક્કી કર્યુ છે. પાટીદાર યુવાઓને ભાજપને મત નહી આપવા અભિયાન છેડવા આયોજન કરાઇ રહ્યુ છે જેના લીધે ફરી એકવાર આંદોલનકારીઓને મેદાને ઉતારવા પડદા પાછળનો ખેલ થઇ રહ્યો છે. રાજયની દસેક બેઠકો પર પાટીદાર મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ભાજપને પાઠ ભણાવવા ભાજપવિરોધીઓને મેદાને ઉતારવા રણનીતિ ઘડાઇ રહી છે. સોશિયલ મિડિયામાં ય ભાજપ સામે મોરચો માંડવા તૈયારીઓ થઇ ચુકી છે. પાટીદાર આગેવાનોનુ કહેવુ છેકે, ભાજપ પાટીદાર ધાર્મિક,સામાજીક સંસ્થાઓમાં ભાગલા પાડો,રાજ કરોની નીતિ રમી રહ્યુ છે જેથી સમાજમાં રોષ છે. ગુરુવારે ફરી એકવાર પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી રહી છે તેમાં શું નિર્ણય લેવાય છે તેના પર ભાજપના નેતાઓની નજર મંડાઇ છે. અત્યારે સોશિયલ મિડિયામાં ભાજપને પાઠ ભણાવો તેવા અભિયાનની શરુઆત થઇ ચૂકી છે, જેને લઇ રાજકીય ગરમાવો આવી ગયો છે. આ તકનો લાભ લેવા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારી નેતાઓ અને તેમના સાથીદારો પણ સક્રિય બન્યા છે.

(9:33 pm IST)