Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

હવે મધુ શ્રીવાસ્તવની મીડિયા કર્મીઓને પણ ચેતવણી આપી

પંચે નોટિસ આપ્યા બાદ ધારાસભ્યની દાદાગીરીઃ ભાજપ ધારાસભ્યની આટલી બધી દાદાગીરી છતાં પક્ષ, પોલીસ કે સત્તાવાળા કેમ પગલાં લેતા નથી તે મુદ્દે સવાલો

અમદાવાદ,તા. ૯: લોકસભાની ચૂંટણી પહેલાં વાઘોડિયાના ધારાસભ્ય સતત વિવાદોના ઘેરામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવનેકારણ દર્શક નોટિસ આપ્યા બાદ મીડિયા કર્મીઓ ઇન્ટરવ્યૂ લેવા માટે મધુ શ્રીવાસ્તવની ઓફિસ પર પહોંચ્યા હતા. જ્યાં મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મીઓને ધમકી આપી હતી કે, હું મધુ શ્રીવાસ્તવ છું, તમે જ્યાં નોકરી કરો છો ત્યાંથી તમારે છોડવુ પડશે. ભાજપના ધારાસભ્યએ બિલકુલ લુખ્ખાગીરી કરતાં મીડિયાકર્મીઓને જોઇ લેવાની ખુલ્લેઆમ ધમકી આપતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ભાજપના ધારાસભ્યની આટલી બધી દાદાગીરી છતાં પક્ષ, પોલીસ કે સત્તાવાળાઓ કેમ કોઇ પગલાં લેતા નથી તે મુદ્દે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારની જાહેર સભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દેવાની ધમકી ઉચ્ચારી હતી અને મીડિયાને પણ ધમકી આપી હતી. ત્યારબાદ ફરીથી મધુ શ્રીવાસ્તવને મીડિયાને ધમકી આપી છે.

મધુ શ્રીવાસ્તવે ઉશ્કેરાઇ જઇને મીડિયા કર્મીઓને ઓફિસમાંથી બહાર કાઢી મૂકીને તેમને જોઇ લેવાની ધમકી ઉચ્ચારી હતી. તેમણે તા.૨૩મી એપ્રિલ પછી તેમનો દિવસ શરૂ થશે અને મીડિયાને જોઇ લઇશ તેવી ખુલ્લી ધમકી ઉચ્ચારી હતી. મધુ શ્રીવાસ્તવને આખા વડોદરા શહેરના વાયર કાપી નાંખવાની પણ ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, પોતાના વિવાદાસ્પદ ભાષણ અંગે વડોદરા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કારણદર્શક નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે, ત્યારે ૭૨ કલાકમાં જ મધુ શ્રીવાસ્તવ મીડિયાકર્મીઓને ખુલ્લેઆમ ધમકી આપી નવા વિવાદમાં સપડાયા છે.

(9:32 pm IST)