Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

OLX સાઈટ પર આર્મીમેન બનીને છેતરપિંડી કરનાર આરોપીને સાયબર ક્રાઇમે રાજસ્થાનથી ઝડપી લીધો

ફોટાનો દુરુપયોગ કરીને OLX પર ફેક આઈડી બનાવી પેટીએમ દ્વારાઅનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા

અમદાવાદ: શહેરની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઝડપાયેલી ગેંગ OLX સાઈટ પર કાર વેચાણ અર્થે મૂકીને આર્મીમેન હોવાનું જણાવીને લોકો સાથે છેતરપિંડી કરતી હતી.

  અમદાવાદ સાયબર ક્રાઇમમાં ઊર્મિલ ઠાકર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે OLX પર પોતાની મારૂતી વેગેનાર કાર વેચાણ માટે મુકી હતી. જે અંગે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો અને પોતે અજમેર આર્મીમાં છે તેમ જણાવી ફોન કરનારે વેગેનારના ફોટા, રજીસ્ટ્રેશન, ઇન્સ્યોરન્સ, કાગળો તથા એન.ઓ.સીના ફોટા ફરિયાદી પાસેથી મેળવ્યા હતા. ત્યારબાદ આરોપી ફોટાનો દુરુપયોગ કરીને OLX પર ફેક આઈડી બનાવી પેટીએમ દ્વારા અનેક વ્યક્તિ પાસેથી વેગેનાર માટેના પૈસા પડાવ્યા હતા અને લોકો સાથે છેતરપિંડી આચરી હતી.

   આ ઘટનાની તપાસ કરતા સાયબર ક્રાઈમે મોબાઇલ નંબરના સીડીઆર મેળવ્યા હતા. જેમાં આરોપીનું લોકેશન રાજસ્થાનના ભરતપુર જિલ્લાનું બતાવતું હતું. જે બાદ સાયબર ક્રાઇમની ટીમ રાજસ્થાન પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે રાજસ્થાનના ભરતપુર જિલ્લા ખાતે વેલ્ડિંગનું કામ કરે છે અને પોતાના ભાણેજ જમાઈ સાથે મળીને OLX લોકોએ વેચાણ કરવા મુકેલા ઘરના ફોટા મેળવી તે કારના ફોટાની જાહેરાત ફરીથી OLX પર એક પ્રોફાઇલ બનાવી મુકતા અને લોકો સાથે સંપર્ક કરતા હતા.

(2:04 pm IST)