Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલા સામે મેટ્રો કોર્ટે જારી કરેલું સમન્સ

એડીસી બેંક માટે વિવાદિત નિવેદનોનો મામલો : એડીસી બેંક ચેરમેન અજય પટેલ દ્વારા કરાયેલ માનહાનિ અંગેની ફરિયાદના કેસમાં મેટ્રો કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

અમદાવાદ, તા.૮ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની દાખલ કરાયેલી અલગ-અલગ ફરિયાદના કેસમાં આજે ઘીકાંટા સ્થિત મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ એસ.કે.ગઢવીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ સમન્સ જારી કર્યું છે અને તા.૨૭મી મેના રોજ આ બંને મહાનુભાવોને અદાલત સમક્ષ હાજર રહેવા તાકીદ કરી છે. કોર્ટે ફરિયાદપક્ષના સાક્ષીઓની જુબાની અને પુરાવાઓ ચકાસ્યા બાદ આ કેસમાં પ્રથમદર્શનીય રીતે બદનક્ષી થઇ હોવાનું તારણ આપ્યું હતુ અને તેથી પ્રતિવાદીઓ વિરૂધ્ધ આજે સમન્સ જારી કર્યા હતા. મેટ્રોપોલીટન કોર્ટના આ સમન્સના પગલે લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓની મુશ્કેલી વધી છે. તો બીજીબાજુ, આ સમન્સને લઇ ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. નોટબંધી દરમ્યાન રણદીપ સૂરજેવાલા અને રાહુલ ગાંધી દ્વારા કરાયેલા કેટલાક વિવાદીત ટવીટ અને ટિપ્પણીઓને લઇ એડીસીના બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષીનો દાવો દાખલ કરાયો છે, જેમાં એડીસી બેંકના ચેરમેન તરફથી એડવોકેટ અજીતસિંહ જાડેજાએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, નોટબંધી દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા દ્વારા પત્રકાર પરિષદ કરી અમિત શાહ અને એડીસી બેંક વિરૂધ્ધ નોટબંધી દરમ્યાન પાંચ જ દિવસમાં રૂ.૭૪૫ કરોડ બદલાયા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. બંને નેતાઓના આ પ્રકારના વિવાદીત નિવેદનોને લઇ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકની છબી ખરડાઇ છે અને વર્ષો જૂની તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. ખાસ કરીને થાપણદારો-ખાતેદારોના મનમાં એડીસી બેંકના મજબૂત વિશ્વાસને ધક્કો લાગ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના બેજવાબદાર અને પાયાવિહોણા નિવેદનો અને વાતોને લઇ એડીસી બેંકને ભારે નુકસાન થયુ હતું. આ સંજોગોમાં કોર્ટે કોંગ્રેસના બંને રાષ્ટ્રીય નેતાઓ વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરી બદનક્ષીની કાર્યવાહી કરવી જોઇએ અને અરજદારની દાદ મુજબ તેઓને યોગ્ય રાહત આપવી જોઇએ.

ફરિયાદ પક્ષ તરફથી મહત્વના પુરાવા રજૂ

નવીદિલ્હી, તા. ૮ : એડીસી બેંકના ચેરમેન અજય પટેલ તરફથી દાખલ કરાયેલી ફરિયાદના કેસમાં એડવોકેટ અજીતસિંહ જાડેજાએ મહત્વના પુરાવાઓ રજૂ કર્યા હતા. જેમાં કોંગ્રેસના બંને રાષ્ટ્રીય નેતાઓએ કરેલી પત્રકાર પરિષદની સીડી, પ્રેસ રિલીઝની કોપી, રાહુલ ગાંધીએ એ વખતે ટવીટ્ કરી શાહ જયાદા ખા ગયે..કહી એક રીતે એડીસી બેંકના પૈસા ભાજપમાં ટ્રાન્સફર થયા હોવાનો આરોપ લગાવ્યો હતો તે ટવીટ્ના પુરાવા કોર્ટના રેકર્ડ પર રજૂ કરવામાં આવ્યા હતા. જે ધ્યાને લઇ મેટ્રોપોલીટન કોર્ટે આ પુરાવાઓ પરથી પ્રથમદર્શનીય રીતે બદનક્ષી થતી હોવાનું નીરીક્ષણ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવકતા ડો.રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ સમન્સ જારી કર્યું હતું.

 

 

 

 

 

 

(9:03 am IST)