Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં જોડાશે

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના રાજ્યવ્યાપી કાર્યક્રમોને ઓપ આપવા રાજ્ય સ્તરીય કમિટિની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક યોજાઇ

ગાંધીનગર: ભારતની સ્વતંત્રતા-આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો તા.12મીથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે. ગુજરાતથી આ ઉજવણીના પ્રારંભના ઐતિહાસિક અવસરને રાષ્ટ્રચેતના સભર ઉત્સવ બનાવવાના આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ રાજ્યકક્ષાની સમિતિની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં સ્પષ્ટપણે નિર્ધાર વ્યકત કર્યો કે, સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવનારૂં ગુજરાત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પણ ગરિમાસભર ઉજવણી કરવા કૃતસંકલ્પ છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.12મી માર્ચે 1930ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં 81 પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની 286 કિ.મી. દાંડીયાત્રાથી આ ઉજવણીનો પ્રધાનમંત્રી મોદી આરંભ કરાવવાના છે.

તેમણે કહ્યું કે, આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં પણ એક સાથે 75 સ્થળોએ રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. તદઅનુસાર ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો પૈકી બારડોલી, દાંડી, પોરબંદર, રાજકોટ, વડોદરા અને માંડવીમાં મોટા કાર્યક્રમો તથા જિલ્લામથકો સહિત અન્ય સ્થળોએ મળી 75 કાર્યક્રમો એકસાથે યોજવામાં આવશે. આ બધા જ સ્થળોએ પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, આઝાદી મેળવવા મરી ફિટનારા દેશ પ્રેમીઓનો મંત્ર ‘ડાઇ ફોર ધન નેશન’ હતો, હવે આપણે ‘લીવ ફોર ધ નેશન’ના ધ્યેય સાથે વર્તમાન અને ભાવિ પેઢીમાં રાષ્ટ્રપ્રેમ ભાવના વધુ બળવત્તર બનાવવાની છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં આ ધ્યેયને અહેમિયત આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ ઉજવણીને ત્રણ મુખ્ય વિષયવસ્તુ સાથે ઉત્સવરૂપે મનાવવાની થીમને અનુરૂપ ગુજરાતમાં પણ બહુઆયામી આયોજન થશે. તદઅનુસાર, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને આઝાદી મેળવવા સુધીના સંગ્રામની ગાથા નવી પેઢી સમક્ષ ઊજાગર કરવામાં આવશે. એટલું જ નહિ, દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવામાં આવશે. દેશની આઝાદીના 75 વર્ષમાં ભારતની વિકાસ-પ્રગતિ કયાં પહોચી તેના ચિતાર સાથે આવનારા 25 વર્ષમાં એટલે કે આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિશ્વગુરૂના સ્થાને બિરાજીત કરવાના લક્ષ્યાંક સાથેના કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ સર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, ઇશ્વરસિંહ પટેલ તેમજ સમિતિના અગ્રગણ્ય સભ્યો વિષ્ણુભાઇ પંડયા, કાર્તિકેય સારાભાઇ, રાષ્ટ્રીય શાળા રાજકોટના ટ્રસ્ટીઓ સહિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

મુખ્યમંત્રીએ આ સમગ્ર ઉજવણીમાં તા.12મી માર્ચથી તા.5 એપ્રિલ દરમયાન યોજાનારી દાંડીયાત્રાના માર્ગમાં આવતા સ્થળો પૈકી 21 જગ્યાએ રાત્રિ મુકામ આ પદયાત્રાના યાત્રિકો કરશે તેની વિગતો આપી હતી. આ રાત્રિ રોકાણના સ્થળોએ રાષ્ટ્રચેતના સભર સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય સ્વાગત વગેરે માટેના આયોજનની પણ ચર્ચાઓ હાથ ધરી હતી.

આ પદયાત્રા દરમ્યાન મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો-ધારાસભ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ એક-એક દિવસ યાત્રામાં જોડાવાના છે. તેમણે આ ઉજવણીમાં સામાજિક પરિવર્તનને સ્પર્શતા વિષયો જેમાં પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, જળસંચય, યોગ અભ્યાસ વગેરેને જોડવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચન કર્યુ હતું. સાયકલ રેલી, બાઇક રેલી કાઢવામાં આવશે

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ યાત્રાનું સમાપન તા.5 મી એપ્રિલે દાંડી ખાતે એક ભવ્ય સમારોહ યોજીને કરવામાં આવશે. તા.12મી માર્ચથી દાંડીયાત્રા દ્વારા આરંભ થનારી આઝાદી કા અમૃત મહોત્સવની આ ઉજણવી પૂર્ણ થતાં સુધીના હરેક કાર્યક્રમોમાં યુવાઓ, બાળકો, સહિત જન-જન ઉત્સાહપૂર્વક જોડાય તે માટે વિવિધ સ્પર્ધાઓ, સાયકલ રેલી, બાઇક રેલી એક ભારત શ્રેષ્ઠભારત અને આત્મનિર્ભર ભારતની થીમ સાથે વિવિધ કાર્યક્રમો યોજવાના આયોજન માટે પણ બેઠકમાં વિશદ ચર્ચાઓ હાથ ધરાઇ હતી.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ સમગ્ર ઉજવણીને ગાંધી સ્મૃતિ વંદના સાથે મારૂં ગૌરવ-મારો દેશ મારો પ્રદેશનો ભાવ યુવા પેઢીમાં જગાવવાના આયોજન સાથે યોજવા માટે સૂચનો કર્યા હતા. મુખ્ય સચિવ અનિલ મુકીમે બેઠકના પ્રારંભે સૌને આવકારી ભારત સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના રાજ્યકક્ષાના આયોજનની રૂપરેખા આપી હતી.

બેઠકની ચર્ચાઓ દરમ્યાન વિષ્ણુભાઇ પંડયા, કાર્તિકેય સારાભાઇ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડયા, જી.ટી.યુ.ના ડૉ. નવીન શેઠ, સ્વામી પરમાનંદજી વગેરેએ પણ આ ઉજવણી સંદર્ભે પોતાના સૂચનો વ્યકત કર્યા હતા.

 

(12:20 am IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો : નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : એક્ટિવ કેસ પણ ઘટયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,846 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,61,470 થઇ :એક્ટિવ કેસ 1,81,143 થયા વધુ 20,138 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,09,17,624 થયા :વધુ 113 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,58,079 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 9927 નવા કેસ નોંધાયા access_time 12:59 am IST

  • રશિયા દ્વારા ગૂગલ, ફેસબુક, ટ્વિટર, ટિકટોક, ટેલિગ્રામ પર સરકાર દ્વારા નિર્દેશિત પ્રોટેસ્ટ કન્ટેન્ટને ડિલીટ ન કરવા બદલ કડક સેક્શન હેઠળ કેસ કરવામાં આવ્યો તેમ એક આંતરાષ્ટ્રીય ન્યુઝ સર્વિસે જણાવ્યું છે access_time 11:50 pm IST

  • ઇડીએ મની લોન્ડરિંગના મામલામાં ઉત્તર પ્રદેશના પૂર્વ બસપા એમએલસી મોહમ્મદ ઇકબાલની ₹ 1,097 કરોડની સાત સુગર મિલો જપ્ત કરી છે. access_time 5:20 pm IST