Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ફરીવાર અશોક ગેહલોતની થશે એન્ટ્રી :ધરખમ ફેરફારના એંધાણ

પ્રભારી રાજીવ સાતવની કામગીરીથી હવે કોંગ્રેસ હાઇકમાન્ડ પણ નારાજ

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં અશોક ગેહલોતની રી-એન્ટ્રી થશે. ગુજરાતની ચૂંટણીઓમાં સતત હારના કારણે મોટા ફેરબદલ થવાની તૈયારી છે. પ્રભારી રાજીવ સાતવની કામગીરી સામે પણ અનેક સવાલો ઊઠી ચુક્યાં છે. રાજીવ સતાવના કાર્યકાળમાં કોંગ્રેસમાં જૂથવાદ સિવાય કંઈ જ નથી વધ્યું. આ સાથે રાજીવ સાતવથી કોંગ્રેસ હાઇકમાન્ડ પણ નારાજ છે ત્યારે હવે ગેહલોતને કયા રોલમાં લઇ આવવા તેને લઇને વિચારણા ચાલી રહી છે. આથી, અશોક ગેહલોતની ગમે તે ઘડીએ ગુજરાતમાં રિએન્ટ્રી થઇ શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે.રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ગામડામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો હતો.

વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ કર્યો હતો. ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે. શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી હતી. ભાજપે તાલુકા પંચાયતમાં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો હાંસલ કરી હતી. આથી, પ્રભારી રાજીવ સાતવની કામગીરીથી હવે કોંગ્રેસ હાઇકમાન્ડ પણ નારાજ છે જેથી એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, એક વાર ફરી ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં અશોક ગેહલોતની એન્ટ્રી થઇ શકે છે.

(11:16 pm IST)