Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

કોરોના રસીકરણમાં જનજાગૃતિ અંગે બિનસરકારી સંકલ્પ સર્વાનુમતે પસાર : કોરોનાના કપરા કાળમાં રાજ્યના સૌ જનપ્રતિનિધીઓએ કરેલી નાગરિકોની સેવા અભિનંદનને પાત્ર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

‘‘આત્મનિર્ભર ભારતને સાચા અર્થમાં સાકાર કરી દેશના વૈજ્ઞાનિકોએ જે વેક્સિન બનાવી તે સૌ દેશવાસીઓ માટે ગૌરવ: નાયબ મુખ્યમંત્રી : સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તી રસી નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી: ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ : લોકડાઉનમાં નાગરિકોને નાસ્તા-પાણી અને ભોજન ઉપરાંત રહેવાની તથા પરિવહનની સેવા પુરી પાડી જનપ્રતિનિધિઓએ સર્વોત્તમ કાર્ય કર્યુ હતુ: મીડિયાના મિત્રોનો પણ નાયબ મુખ્યમંત્રીએ આભાર માન્યો

અમદાવાદ : કોરોનાના કપરાકાળમાં અનેક મુશ્કેલીઓ સામે ઝઝુમીને રાજ્ય સરકારે શ્રેષ્ઠ સગવડો અને સર્વશ્રેષ્ઠ સારવાર પૂરી પાડી હતી. હાલના રસીકરણના તબક્કે પ્રજામાં કોઇ ડર કે ભ્રમ હોય તો તે અંગે જાગૃતિ લાવવામાં યોગદાન આપી રસીકરણના અભિયાનને સફળ બનાવવા સંદર્ભે ધારાસભ્યશ્રી રમેશભાઇ કટારા દ્વારા વિધાનસભા ગૃહમાં લેવાયેલા સંકલ્પની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાના કપરાકાળમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં દરરોજ મળતી કોર ગ્રુપની બેઠકમાં અનેક જનહિત લક્ષી નિર્ણયો લેવાયા હતા અને તેને પરિણામે જનઆરોગ્ય સુખાકારી સુદ્રઢ બનાવી કોરોનાને નિયંત્રણમાં લાવવા સવિશેષ સફળતા મળી છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના સૌ જનપ્રતિનિધિઓએ દિવસ-રાત જોયા વગર કે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર કરેલી નાગરિકોની સેવા અભિનંદનને પાત્ર છે. લોકડાઉન દરમિયાન નાગરિકોને નાસ્તા-પાણી અને ભોજન ઉપરાંત રહેવા માટેની સગવડ પુરી પાડી તથા પરિવહનની સેવા પુરી પાડી જનપ્રતિનિધિઓએ સર્વોત્તમ કાર્ય કર્યુ હતું. એટલું જ નહી આ તમામ તબક્કે મીડીયાના સૌ મિત્રોએ પણ સુપેરે પોતાની જવાબદારી નિભાવી તે બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ તેમનો પણ આભાર માન્યો હતો.
 પટેલે ઉમેર્યુ કે, ‘‘આત્મનિર્ભર ભારત’’ મિશનને સાચા અર્થમાં સાકાર કરી દેશના વૈજ્ઞાનિકોએ જે વેક્સિન બનાવી તે બાબત સૌ દેશવાસીઓ માટે ગૌરવની બાબત છે. તે ઉપરાંત સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તી રસી દેશવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવા બદલ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીને પણ અભિનંદન પાઠવ્યા હતા.
પટેલે વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે. અમારા કાર્યકરો ઠેર ઠેર સિનિયર સિટિઝનોને સન્માનપૂર્વક સહાયરૂપ થવા સુપેરે જવાબદારી નિભાવી રહ્યા છે તે પણ અભિનંદનને પાત્ર છે.
કોવિડ-૧૯ મહામારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા  રસી ઉપલબ્ધ થઈ ગયેલ છે. રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.
રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે.

 વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે. ૬.૩ લાખ ફ્રન્ટ લાઈન વર્કર્સ તેમજ ૫૦ વર્ષથી વધુ વયની ૧.૩ કરોડ વ્યક્તિઓ અને બિમારી ધરાવતી ૫૦ વર્ષથી ઓછી વયની ૨.૬૮ લાખ વ્યક્તિઓની માહિતી એકત્ર કરવામાં આવી છે.
ગુજરાતમાં રસીકરણના કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તબીબો, હેલ્થ વર્કરો, આંગણવાડી વર્કર્સ, ૧૦૮નો સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મીઓ, મહેસૂલી કર્મચારીઓ સહિત અનેક પ્રજાજનોએ કોઈપણ જાતના ગભરાટ વિના રસીકરણ કરાવેલ છે.   

  બીજા તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો તથા ગંભીર પ્રકારની બિમારી ધરાવતા ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને આવરી લેવાનું લક્ષ્યાંક છે. ઓછામાં ઓછા સમયગાળામાં વધુને વધુ વ્યક્તિઓ સુધી વેક્સિન પહોંચાડવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. "કોરોના હારશે અને ગુજરાત જીતશે"ના લક્ષને હાંસલ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. કોરોના વેકિસનના દરેક વ્યક્તિને બે ડોઝ મળે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.    

  જનસમાજના સહયોગથી રાજ્ય સરકારનું કોરોના રસીકરણ અભિયાન સંપૂર્ણ સફળ થાય અને રસીકરણની આડઅસર અંગે પ્રજામાં કોઈ ડર કે ભ્રમ હોય તો સૌ તે અંગે જાગૃતિ લાવવામાં પોતાનું યોગદાન આપી રસીકરણના અભિયાનને સફળ બનાવવા અને અભિયાન સમયબદ્ધ પૂર્ણ થાય તેવો ધારાસભ્ય રમેશભાઈ કટારાએ અનુરોધ કર્યો હતો. 
કોરોના રસીકરણમાં જનજાગૃતિ અંગે ગુજરાત વિધાનસભા ખાતે લવાયેલો આ બિનસરકારી સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો.

(6:58 pm IST)