Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

6 વર્ષ પહેલા બાળકને ત્‍યજી દેતા નડિયાદની માતૃછાયા અનાથ આશ્રમે સંભાળી લીધા બાદ બાળકની કિસ્‍મત ચમકીઃ ઇટલીના દંપત્તિએ દત્તક લીધુ

ખેડા: વ્યક્તિનું ભાગ્ય ક્યારે બદલાય જાય છે તે કહી શકાય નહીં... કંઇક આવી જ ઘટના બની છે નડિયાદના 6 વર્ષીય બાળક સાથે. જન્મ બાદ બાળકને તેની માતાએ ત્યજી દીધું હતું. જે બાદમાં નડિયાદના એક અનાથ આશ્રમમાં મોટું થયું અને હવે આ બાળકની કિસ્મત બદલાવવા જઈ રહી છે. જાણો શું છે સમગ્ર ઘટના...

નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં આજનો દિવસ એક તહેવારની જેમ ઉજવાઈ રહ્યો છે. ઉજવણીનું કારણ છે 6 વર્ષીય રોનક અને ઇટાલિયન દંપતિ. 6 વર્ષીય રોનકને ઇટલીના દંપતિએ દત્તક લીધો છે. આજથી 6 વર્ષ પહેલા જ્યારે રોનકનો જન્મ થયો ત્યારે તેની જન્મદાતા માતાએ તો તેને ત્યજી દીધો હતો. પરંતુ માતૃછાયા અનાથ આશ્રમે આ બાળકની સંભાળ લીધી.

બાળક 6 વર્ષનો થયો અને હવે તેને આ દંપતિ દત્તક લઇ રહ્યું છે. ઇટલીથી આવેલા પીયેત્રો દે રિયેનજો (નામ છે) તથા શ્રીમતી માર્યા એલિસાએ ઇટાલિયન ફોરેન એડોપ્શન એજન્સી દ્વારા ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ એજન્સી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દિલ્હીને બાળક દત્તક લેવા માટે અરજી કરી હતી. જેમાં ભારત સરકાર દ્વારા ઇટાલિયન દંપતિને માતૃછાયા અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લેવા માટે છ મહિના અગાઉ એનઓસી આપ્યું હતું.

તમામ વિધિ પૂર્ણ થતા હવે આ દંપતિ એક ગુજરાતી બાળકને તેમના પરિવારનો હિસ્સો બનવા જઈ રહ્યું છે. ત્યારે આ માતૃછાયા અનાથ આશ્રમના સંદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે, આ દંપતિ દ્વારા ઇટાલિયન ફોરેન એજન્સી મારફતે દતક બાળક લેવા માટે અરજી કરી હતી. જેના તમામ કાયદાકીય પ્રશ્નો પૂર્ણ કર્યા બાદ આજે બાળક દત્તક આપવાની વિધિ હાથ ધરાઇ છે. અમે અત્યાર સુધી 200 થી વધુ બાળકો ફોરેનમાં તક આપ્યા છે.

(5:26 pm IST)