Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

૩ વર્ષમાં ૧.૨૫ લાખ કર્મચારીઓની ભરતી

ભરતી નિરંતર ચાલતી પ્રક્રિયા, ભરતી કેલેન્ડરનો અમલઃ વિજયભાઈ : જરૂર જણાય ત્યાં આઉટ સોર્સીંગથી ભરતી, શોષણ અટકાવવા પગાર સીધો ખાતામાં: નીતિન પટેલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૯ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જે કાયમી જગ્યાઓ છે તેની ભરતી પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. રાજ્ય સરકારે વાર્ષિક કેલેન્ડર બનાવી ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમે ૧.૨૫ લાખથી વધુ કર્મીઓની ભરતી કરી છે.  મુખ્યમંત્રીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમ્યાનની ચર્ચામાં સહભાગી થયા હતા અને તેમણે આ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ  કે, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે તો ૭ વર્ષ સુધી ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. એ અમારી સરકારે દૂર કર્યો છે અને નિયમિત ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર બનાવ્યું છે અને પ્રતિ વર્ષ ભરતી કરી રહ્યા છીએ. જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં કાયમી જગ્યાઓ ઉપર આઉટ સોર્સીંગથી ભરતી કરીએ છીએ. આવા કર્મીઓને પણ પુરેપૂરો પગાર આપીએ છીએ.

કોઇપણ પ્રકારનું શોષણ અમે કરતા નથી. લઘુત્તમ વેતન મુજબ જ પગાર આપીએ છીએ.

આજે વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ માં  આણંદ અને ખેડા જિલ્લામાં નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત મંજૂર જગ્યાઓના પ્ર'ના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું  કે, આ યોજના સંપૂર્ણ કેન્દ્ર સરકાર આધારિત છે. જેમાં વિવિધ સંવર્ગોની ભરતી ૧૧ માસના કરાર આધારે કરવામાં આવી છે. જેમાં ઇન્ટરવ્યુ દ્વારા સંપૂર્ણ પારદર્શીતાથી મેરીટના ધોરણે ભરતી કરીને નિમણૂંક આપવામાં આવે છે. તબીબો માટેનો વોક ઇન ઇન્ટરવ્યુ યોજીને તેમની પસંદગી અને રાજ્ય સરકારની જરૂરિયાત મુજબ નિમણૂંક આપીને ગ્રામ્ય કક્ષાએ આરોગ્યની સારવાર પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર  ઘટે, રસીકરણ અને પોષક આહાર સહિતની સુવિધાઓ આપીએ છીએ.

આઉટ સોર્સીંગના કર્મીઓને પૂરેપૂરો પગાર ન આપવા અંગેના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં જે જગ્યાઓ કાયમી તેની ભરતી સમયાંતરે જાહેરાત આપીને ઇન્ટરવ્યુ દ્વારા ભરીએ છીએ. આ ઉપરાંત વધુ જરૂરિયાત હોય એવી જગ્યાએ આઉટ સોર્સીંગથી ભરતી કરીએ છીએ. આઉટ સોર્સીંગના કર્મીઓને પૂરેપૂરું વળતર આપવા માટે અમે એસ્ક્રો એકાઉન્ટથી સીધેસીધો પગાર એમના ખાતામાં જમા થાય છે. ૮૦ થી ૯૦ ટકા એસ્ક્રો એકાઉન્ટ ખોલવાની કામગીરી પૂર્ણ થઇ છે અને આગામી સમયમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આઉટ સોર્સીંગના કર્મીઓને પૂરેપૂરો પગાર આપવા અમારી સરકાર કટિબદ્ધ છે.નાયબ મુ્ખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના આરોગ્ય, શિક્ષણ, પોલીસ, પંચાયત સહિતના વિભાગોમાં અમારી સરકારે ૧.૨૫ લાખથી વધુ યુવાઓને સરકારી સેવામાં જોડ્યા છે. આઉટ સોર્સીંગથી ભરતી કરીએ છીએ. એમાં પણ એસ્ક્રો એકાઉન્ટ દ્વારા પગાર આપીએ છીએ. આરોગ્ય વિભાગમાં અમે શરૂઆત કરી છે. આઉટ સોર્સીંગ માટે જે એજન્સીઓ ૧૨ થી ૧૨ ટકા મુજબ સર્વીસ ચાર્જ લેવાતો હતો એ અમે ૫ ટકા કર્યો છે. જેના પરિણામે રૂ. ૧૦ કરોડની બચત કરી છે અને આગામી સમયમાં તમામ વિભાગોમાં આ રીતે કામગીરી કરાશે. કેમકે પ્રજાના પૈસા બચાવવા અને યોગ્ય જગ્યાએ વાપરવા એ અમારી નૈતિક ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(4:10 pm IST)