Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

કોરોના મહામારી અંતર્ગત રાજ્ય સરકારે જાહેર કરેલ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના પેમેન્ટની કામગીરી પ્રગતિમા :બિલોની ચકાસણી કર્યા બાદ નિયમોનુસાર ચૂકવણી કરાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

ગાંધીનગર તા.૯,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ  પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ હોસ્પિટલો જાહેર કરી હતી અને જ્યાં વધુ જરૂર પડે ત્યાં ખાનગી/ટ્રસ્ટની હોસ્પિટલોને પણ ડેઝિગ્નેટેડ જાહેર કરી હતી. આવી ખાનગી-ટ્રસ્ટની હોસ્પિટલોના બિલોની ચુકવણીની કામગીરી પ્રગતિમાં છે. બિલોની યોગ્ય ચકાસણી બાદ નિયમોનુસાર ચૂકવણી કરાશે. 

આજે વિધાનસભા ખાતે રાજકોટ અને પોરબંદર જિલ્લામાં કોરોના મહામારી અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે, કોરોનાનું સંક્રમણ અન્ય દર્દીઓમાં ન ફેલાઇ તે માટે આવી ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરીને કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે . જેમાં આઈસોલેશન બેડ, આઈસોલેશન તેમજ એચ.ડી.યુ. અને આઈસોલેશન તેમજ આઈસીયુ વેન્ટિલેટર સહિતની સારવાર આવી હોસ્પિટલોમાં પૂરી પાડવામાં આવે છે. 

રાજકોટ અને પોરબંદર બંને જિલ્લાઓમાં બે ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ છે. જેમાં ૧૫૦ દર્દીઓને સરકારી ક્વોટામાં અનામત બેડની જોગવાઈ કરાઇ હતી. જેમાં રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ૫૦ બેડ તથા પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાં ૧૦૦ બેડની સંખ્યા નિયત કરાઈ હતી. આ બંને હોસ્પિટલોને રૂ. ૯.૦૯ કરોડનું ચૂકવણું કરવાનું છે. જે અંગે બિલોની ચૂકવણી જિલ્લામાંથી અહેવાલ મળ્યા બાદ નિયમોનુસાર ચકાસણી કરી ચૂકવવાપાત્ર રકમના પેમેન્ટ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

(4:06 pm IST)