Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર કરે છે :ગુરુકુળ હોય કે મદ્રેસા, દર વર્ષે ૧ કરોડ વિદ્યાર્થીઓની શારીરિક તપાસણી કરી :બીમાર/ખામીયુક્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અદ્યતન સારવાર અપાય છે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

દિવ્યાંગ બાળકો માટે કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઉપરાંત હૃદય-કિડની કે કેન્સર જેવી ગંભીર બીમારીમાં લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે : એક વર્ષમાં ૨૨ બાળકોને વિનામૂલ્યે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઇ

  ગાંધીનગર તા.૯,શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસણી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, અમારી સરકાર બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની સંપૂર્ણ ચિંતા કરે છે. બાળક ગુરુકુળમાં અભ્યાસ કરતું હોય કે મદ્રેસામાં અભ્યાસ કરતું હોય, તમામ બાળકોને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે. દર વર્ષે અંદાજે ૧ કરોડ વિદ્યાર્થીઓની શારીરિક તપાસણી કરીને  બીમાર કે ખામીયુક્ત જણાયેલા વિદ્યાર્થીઓની યાદી બનાવી, તે તમામને વિનામૂલ્યે સારામાં સારી અદ્યતન સારવાર આપવામાં આવે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, જન્મથી દિવ્યાંગ બાળકો માટે કોક્લીયર ઇમ્પ્લાન્ટ સર્જરી હૃદય-કિડની કે કેન્સર ઉપરાંત થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓ કે જેનો ખાનગી હોસ્પિટલમાં અંદાજે ૨૦ થી ૨૫ લાખ સુધીનો ખર્ચ થઇ જાય છે તેવી ખર્ચાળ સારવાર પણ વિનામૂલ્યે આપી બાળકોને સ્વસ્થ કરવામાં આવે છે. આ બાળકોની સારવારમાં પૂરી દવાઓ, યંત્રો, સાધન સામગ્રી, લોહી-ઇન્જેક્શનો સહિતની તમામ આનુષાંગિક ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપી જ્યાં સુધી બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થઇ જાય, ત્યાં સુધી અમારી સરકાર દ્વારા સતત ચિંતા કરી સારવાર આપવામાં આવે છે. તે ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. એક વર્ષમાં ૨૨ બાળકોને  બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરી તેમનાં અમૂલ્ય જીવન બચાવવાનું ઉમદા કાર્ય સરકારે કર્યુ છે. 

શ્રી પટેલે વડોદરા જિલ્લાની માહિતી આપતા ઉમેર્યુ કે, વડોદરામાં છેલ્લાં બે વર્ષમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૬,૫૩,૩૬૨ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જેમાં ૨૦૩ બાળકોને હૃદયની, ૬ બાળકોને કિડનીની અને ૧ બાળકને કેન્સરની સારવાર આપવામાં આવી છે. તે ઉપરાંત, નવસારી જિલ્લામાં ૨ વર્ષમાં ૬,૦૦,૪૯૩ બાળકોની  આરોગ્ય તપાસણી કરાઇ હોવાનું જણાવી શ્રી પટેલે ઉમેર્યુ કે, તે પૈકી ૨૧૭ બાળકો હૃદયની બીમારીના, ૨૩ બાળકો કિડની અને ૯ બાળકો કેન્સરની બીમારીથી પીડાતા હતાં. તેમની સારવાર કરવામાં આવી છે.

(4:05 pm IST)