Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઐશ્વર્યા મજમુદારે ગાયેલુ 'પટોળુ' ૧૫ વર્ષ પછી પણ ધબકતું

સોશ્યલ મિડીયામાં અંકિત ત્રિવેદીએ શેર કરેલા વિડીયોને સેંકડો લાઈકસ મળ્યાઃ પુરૂષોતમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસે હાર્મોનિયમમાં સાથ આપ્યો'તોઃ આશિત દેસાઈ અને હેમાંગીની દેસાઈ સ્ટેજ ઉપર સાથે હતાઃ નાનપણથી જ ગાયન ક્ષેત્રે રહેલી રૂચીએ આજે સફળતાની સિદ્ધિઓ અપાવી

લોકગાયિકા ઐશ્વર્યા મજમુદારે ૧૫ વર્ષ પહેલા 'પાટણથી પટોળા મોંઘા લાવજો...' ગીત સ્ટેજ પર રજુ કર્યુ હતુ ત્યારે હકડેઠઠ માનવમેદનીએ તાલીઓના ગડગડાટથી તેને વધાવી લીધુ હતું. આ તકે પુરૂષોતમભાઈ ઉપાધ્યાય, ગૌરાંગભાઈ વ્યાસ, આશિતભાઈ દેસાઈ, હિમાંગીનીબેન દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૯ :. નાનપણથી જ ગાયન ક્ષેત્રે ખૂબજ ધગશ હોવાથી ધીમે ધીમે સફળતાના શિખરો સર કરતા ગયા અને આજે એક ઉમદા ગાયિકા તરીકે ઉભરી આવ્યા છે. આપણે વાત કરીએ છીએ ગુજરાતના ગાયિકા ઐશ્વર્યા મજમુદારની.

સોશ્યલ મિડીયામાં ૧૫ વર્ષ પહેલાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં નાની બાળા પોતાની લય અને તાલના સથવારે 'પાટણથી પટોળુ મોંઘુ લાવજો...' ગીત ગાય છે અને સામે શ્રોતાઓ પણ તાલીઓના તાલે તેના આ ગીતને વધાવે છે. આ વિડીયો સોશ્યલ મિડીયામાં ખૂબ જ વાયરલ થયો છે. જે અંગે માહિતી મેળવતા જાણવા મળ્યુ હતુ કે આ વિડીયોમાં ગીતનું ગાયન કરનાર નાની બાળા ઐશ્વર્યા મજમુદાર છે. આ વિડીયો કવિ-ગઝલકાર અંકિત ત્રિવેદીએ શેર કર્યો હતો. આ વિડીયો ૧૫ વર્ષ પહેલાનો છે. જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે હાર્મોનિયમ ઉપર સુપ્રસિદ્ધ કલાકાર પુરૂષોતમભાઈ ઉપાધ્યાય અને ગૌરાંગભાઈ વ્યાસ સાથ આપી રહ્યા છે. સ્ટેજ ઉપર સુગમ સંગીતના જાણીતા ગાયક આશિતભાઈ દેસાઈ અને હેમાંગીનીબેન દેસાઈ પણ જોવા મળે છે.

આ અંગે અંકિતભાઈ ત્રિવેદીએ અકિલાને જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમ ૧૫ વર્ષ પહેલા સુરતમાં યોજાયો હતો. જેનુ સંચાલન મારા દ્વારા થયું હતું. સ્ટેજ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને બાળ  કલાકાર ઐશ્વર્યા મજમુદારની કલાને દિલથી બીરદાવી હતી.

ઐશ્વર્યા મજમુદાર હાલમાં ગાયન ક્ષેત્રે ધૂમ મચાવે છે. નવરાત્રીના કાર્યક્રમોમાં તે ખેલૈયાઓને જોમજુસ્સા સાથે રાસગરબા રમાડે છે. રાજકોટમાં પણ થોડા સમય પહેલા ઐશ્વર્યા મજમુદારે નવરાત્રીમાં ધૂમ મચાવી હતી.

ઐશ્વર્યા મજુમદારનો જન્મ ૫ ઓકટોબર ૧૯૯૩ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ એક ભારતીય ગાયિકા છે. તેણીએ ૨૦૦૭-૨૦૦૮ના મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદમાં ૧૫ વર્ષની ઉંમરે જીત મેળવીને લોકપ્રિયતા મેળવી હતી. સમગ્ર શોમાં જજ દ્વારા તેના ગાયનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં તેણીએ અન્વેષા દત્તા ગુપ્તા સાથેની સ્પર્ધા જીતી હતી. તેણીએ હિમેશ રેશમીયાની ટીમ 'હિમેશ વોરિયર્સ'માં મ્યુઝિક કા મહા મુકાબલામાં પણ ભાગ લીધો હતો. તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે અનેક ગીતો ગાયા છે. તેણી અંતાક્ષરી - ધ ગ્રેટ ચેલેન્જમાં પણ જોવા મળી હતી.

ઐશ્વર્યાના માતાપિતા બંને ગાયકો છે અને તેણીએ ૩ વર્ષની ઉંમરે શ્રીમતી મોનિકા શાહ પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી હતી. તેણીએ પુરુષોત્તમ ઉપાધ્યાય અને અનિકેત ખંડેકર પાસેથી સૂરનો પાઠ લીધો. તેણીએ સાત વર્ષની ઉંમરે સા રે ગા મા પા માં ભાગ લીધો હતો. છોટે ઉસ્તાદ સ્પર્ધામાં પ્રવેશતા પહેલા, તેણીને ગુજરાતી સંગીત  દ્વારા તેમની પ્રતિભા માટે માન્યતા આપવામાં આવી હતી. ઐશ્વર્યા એ ૧૧ વર્ષની ઉંમરે નાગપુર ખાતે પહેલી સોલો કોન્સર્ટ પહોંચાડી, અને ભારત અને વિદેશમાં અનેક સોલો કોન્સર્ટ કર્યા. તેણીને ઇન્ડિયન આઇડોલ સીઝન ૫ માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ જજો દ્વારા તેને દૂર કરવામાં આવી હતી.

ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં, ઐશ્વર્યા એ પોતાનો પહેલો સોલો આલ્બમ તથા ગુજરાતી ભકિત ગીતો રેકોર્ડ કર્યા. ફેબ્રુઆરી ૨૦૦૩માં ઐશ્વર્યા એ ગુજરાતી ફિલ્મ ઘર મારૂ મંદિર માટે તેનું પ્રથમ પ્લેબેક ગીત રેકોર્ડ કર્યું હતું. આ ઉપરાંત તેણીએ અન્ય આલ્બમ્સ જેવા કે સાત સૂરોના સરનામ, પાલવ, સ્વરાભિષેક, વિદેશિની, નિરાલો મુકામ, ઐશ્વર્યાની નર્સરી માટેની કવિતા, સપના સાથે ઐશ્વર્યા અને અલ્લક મલ્લક શામેલ છે. તેણીએ  ૨૦૦૮માં હિન્દી ટીવી સિરિયલ ૅદિલ મીલ ગયેૅ માટે થીમ ગીત ૅઆસ્માની રંગ હુંૅ રેકોર્ડ કર્યું હતું. તેણીનું પહેલું બોલીવુડ પ્લેબેક ગીત ૅહરિ પુત્તર -એક ડ્યુદૅ જુલાઈ,  ૨૦૧૧ માં હરિ પુત્તરૅં કોમેડી ઓફ ટેરિયર્સ ફિલ્મમાં રિલીઝ થયું હતું.  તેણીએ ચાર હિન્દી ફિલ્મોમાં પોતાનો અવાજ આપેલ અને ૨૦૧૨ માં કન્નડ મૂવી ક્રેઝી લોકા માટે ૅએલે ઇલેજેૅનું રેર્કોડિંગ પણ કરેલું. ૨૦૧૫ માં, તેણીએ ફ્રોઝન (૨૦૧૩), ફ્રોઝન ફીવર (૨૦૧૫) અને ૨૦૧૭ માં ઓલાફની ફ્રોઝન એડવેન્ચર (૨૦૧૭) ફિલ્મના હિન્દી ડબિંગમાં અન્નાના પાત્ર તરીકે પોતાનો અવાજ આપ્યો હતો અને તેણીએ આ ફિલ્મોમાં અવાજ ઉપરાંત ગાયન પણ કર્યું હતું.

ઐશ્વર્યા એ નચ બલીયેની ચોથી સીઝનમાં બે અઠવાડિયા માટે,  મમી કે સુપર સ્ટાર્સ - સ્ટાર ટીવી, NDTV-Imagine- પર ખાસ હમ યંગ હિન્દુસ્તાની, લિટલ સ્ટાર એવોર્ડ ૨૦૦૮, અને હાર્મોની સિલ્વર એવોર્ડ્સ ૨૦૦૮ માટે એન્કરિંગ કરેલું છે.

૨૦૧૨ માં, ઐશ્વર્યાએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેમાં હાલ ૪,૭૦,૦૦૦ થી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ૫૫ મિલિયનથી વધુ વ્યૂઝ છે.

ઐશ્વર્યાને ૫ એપ્રિલ, ૨૦૦૮ ના રોજ અમુલ સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા સ્પર્ધામાં અમિતાભ બચ્ચનના વરદ હસ્તે ૅછોટે ઉસ્તાદૅ એવોર્ડ મળ્યો હતો. ૨૦૦૬માં તેણીને ૅશાહુ મોદક એવોર્ડૅ, ૨૦૦૮ માં ૅપાવર -૧૦૦ૅ અને ૨૦૦૯ માં ૅસંગીત રત્નૅ પણ એનાયત કરાયો હતો. ૅઆંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ડેૅ પર તેમની સિધ્ધિઓ બદલ ગુજરાતના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

૨૦૦૮ માં ભારતીય ફેડરેશન ઓફ એસોસિએશન દ્વારા પણ તેણીની પ્રશંસા કરવામાં આવી હતી. ઐશ્વર્યાને ન્યૂયોર્કના ભારતીય સમુદાયે અમેરિકન રાષ્ટ્રગીત ગાવવા માટે આમંત્રણ આપ્યું હતું, ત્યારબાદ ઐશ્વર્યાએ ૧૯મી ઓગસ્ટ, ૨૦૦૯ ના રોજ ભારત પરેડ દિવસ માટે ભારતીય રાષ્ટ્રગીત ગાયું હતું. કન્નડ કદરી એવોર્ડ્સ- ૨૦૧૧ મેંગ્લોરમાં ઉત્કૃષ્ટ યુવા પ્રતિભા બદલ તેણીને સન્માનિત કરાઇ હતી. તેણીને ટેડ ટોક આપવા માટે ગુજરાતની સૌથી પ્રાચીન અને ખૂબ જ પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થા લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે આમંત્રણ અપાયું હતું જે  કાર્યક્રમ ૧૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ યોજાયો હતો.

(2:59 pm IST)