Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની પસંદગી માટે બેઠકનો દોર શરૂ

જીતેલા ભાજપના ઉમેદવારોએ લોબિંગની સાથે સાથે સંગઠન પર દબાણ વધાર્યા: ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પૂછેલા પલાખામાં દાવેદારોને પરસેવો છૂટી ગયો.

નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન મેળવવા માટે જીતેલા ભાજપના ઉમેદવારોએ લોબિંગની સાથે સાથે સંગઠન પર દબાણ વધાર્યા છે. જો કે નર્મદા જિલ્લા ભાજપ ઘનશ્યામ પટેલે યોગ્યતાને આધારે જ પ્રમુખ, ઉપપ્રમુખ બનાવવા મક્કમ મન બનાવ્યું છે

નર્મદા જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દાઓ પર નિમણૂક માટે કોઈ પણ ઉમેદવારને મન દુઃખ ન થાય એ માટે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે રાજપીપળા APMC ખાતે ચૂંટાયેલા સભ્યોની બેઠક યોજી હતી. અને પાંચ દાવેદારો ઉભા કરી જાહેરમાં પોતે પ્રમુખની કેમ દાવેદારી કરે છે?, પ્રમુખ બની શુ કરવા માંગે છે?, વહીવટનો કેટલો અનુભવ છે?, સહિત અનેક પ્રશ્નો કરી જાહેરમાં પલાખા પૂછ્યા હતા. ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પૂછેલા પલાખામાં દાવેદારોને પરસેવો છૂટી ગયો હતો.

નર્મદા જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ મહિલા આદિજાતિ અનામત છે. એટલે મહિલાને જ પ્રમુખ બનાવવા પડે, જયારે નાંદોદ અને સાગબારા તાલુકામાં આદિજાતિ સામાન્ય અનામત એટલે આદિવાસી પુરુષ કે મહિલા બંને બની શકે, ડેડીયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડામાં આદિજાતિ મહિલા અનામત પ્રમુખની બેઠકો હોય અહિંયા મહિલા જ બેસી શકે એટલે બેઠકો પ્રમાણે તમામ સક્ષમ ઉમેવારો પ્રમુખ પદે બેસાડી શકે એટલે હાલમાં જિલ્લા સંઘઠન જે નામો નક્કી કરશે એ બાદ નામો પ્રદેશ કક્ષાએ જશે પછી ફાયનલ થશે.

આ બાબતે ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એકદમ શિસ્ત અને પારદર્શક વહીવટથી ચાલે એટલે જે સક્ષમ ઉમેવાર હશે તેને જ જિલ્લા સંઘઠન નક્કી કરશે.કોઈની પણ લાગવગ ચલાવી નહિ લેવાય.જે સક્ષમ ઉમેદવારો છે તેમને જ પ્રમુખ બનાવવામાં આવશે બાકી આજે તાલુકા પંચાયતના પ્રમુખ માટે દાવેદારોને જરૂરી પ્રશ્નોત્તરી કરી છે.સારો વહીવટ કરી શકનારને પ્રમુખ પદ સોંપાશે એમાં કોઈ બેમત નથી.

(11:26 pm IST)