Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 'ઋણ સ્વીકાર' કાર્યક્રમ આયોજિત થયો

ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના નવનિયુક્ત રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શંભુનાથ ટૂંડિયાનું અભિવાદન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય થવા બદલ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને કાર્યકર્તાઓનો 'ઋણ સ્વીકાર' કાર્યક્રમ આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ અનુસૂચિત  જાતિ મોર્ચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથ ટૂંડિયા, પૂર્વ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ, પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી માધુભાઈ ઠાકોર, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પૂર્વ ચેરમેન કુશળસિંહ પઢેરીયા, ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન ચૈતન્ય શંભુ મહારાજ, સાણંદના ધારાસભ્ય  કનુભાઈ કો. પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ  જીતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, સાણંદ એપીએમસીના ચેરમેન ખેંગારભાઈ સોલંકી, બાવળા એપીએમસીના ચેરમેન હરિભાઈ ડાભી,  કાળુભાઇ ડાભી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

 

દીપપ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમને આગળ વધારતા જિલ્લા ભાજપ મહામંત્રી  નવદીપસિંહ ડોડીયાએ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને 'વંદે માતરમ' નું ગાન કરાવ્યું હતું. શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ  હર્ષદગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની પેજસમિતિ રૂપી બ્રહ્માસ્ત્રને કારણે આપણે આપણી વાત જન જન સુધી પહોંચાડી શકયા અને જંગી મતદાન કરાવી શક્યા જેનો સીધો ફાયદો ભાજપના તમામ ઉમેદવારોને મળ્યો હતો. ઉપરાંત  હર્ષદગીરી ગોસાઈ, અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથ ટૂંડિયા, પૂર્વ પ્રદેશ પ્રવક્તા અને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય  ભરતભાઈ પંડ્યા, સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક સંબોધનમાં વિજયી ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને દેવદુર્લભ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. સૌ અગ્રણીઓએ એક સુરે વિજયી થયેલા તમામ ઉમેદવારોને જનતાએ એમના પર મુકેલા વિશ્વાસને સાચો સાબિત કરવા અને પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી  અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર થતી રાષ્ટ્રીય યોજનાઓ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થતી જનકલ્યાણકારી પ્રાદેશિક યોજનાઓને જન જન સુધી પહોંચાડવા આજથી જ કામે લાગી જવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં અગ્રણીઓએ કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ  જે. પી. નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા જંગી બહુમતીથી જીતવા માટે આજથી જ કટિબદ્ધ થઈએ.
આ તકે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જે કાર્યકર્તાઓના કઠોર પરિશ્રમ, ત્યાગ, આગવી સૂઝબૂઝને કારણે અમદાવાદ જિલ્લા પંચાયતની 34 માંથી 30 સીટો પર, 9 તાલુકા પંચાયતોમાંથી 8 અને બારેજા, વિરમગામ, ધોળકા, સાણંદ જેવી નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે એવા તમામ ઉપસ્થિત કાર્યકરો પર જિલ્લાના આગેવાનોએ પુષ્પવર્ષા કરી એમનો 'ઋણ સ્વીકાર' કર્યો હતો એમનો આભાર માન્યો હતો.
આ ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં વિજયી થયેલા તમામ ઉમેદવારોનું ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.
હાલમાં જ જેમની ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિમણૂંક થઈ છે એવા રાજ્યસભાના પૂર્વ સાંસદ, ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચા ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, ઝાંઝરકાના ગાદીપતિ મહંત શ્રી શંભુનાથ ટૂંડિયાનું મંચસ્થ સૌ મહાનુભાવોએ મોમેન્ટો આપી ભાજપ અમદાવાદ જિલ્લા તરફથી અભિવાદન કર્યું હતું.
જિલ્લા ઉપપ્રમુખ શૈલેષભાઇ દાવડાએ કાર્યક્રમની સમાપન વિધિ કરતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લાના હોદ્દેદારો, તમામ મોર્ચાના હોદ્દેદારો, હાલમાં જ સંપન્ન થયેલ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનાં વિજેતા ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(10:08 pm IST)