Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વમાં ગુજરાત ગેસ કંપનીએ જીત્‍યો ‘બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડ શ્રેષ્‍ઠ PSU એવોર્ડ-૨૦૨૦'

૭ શ્રેણીઓ માટે વિજેતાઓના નામની પસંદગી

અમદાવાદ તા. ૯ : મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વમાં ગુજરાતને વધુ એક ગૌરવ અપાવ્‍યું છે. રાજય સરકાર દ્વારા સંચાલિત ‘ગુજરાત ગેસ' કંપનીએ ‘બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડ સ્‍ટાર પીએસયુ એવોર્ડ ૨૦૨૦' જીતી લીધો છે. મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે ગાંધીનગર ખાતે આ એવોર્ડ સુપરત કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડ એવોર્ડ દેશના સૌથી પ્રતિષ્ઠિત વાર્ષિક એવોર્ડ પૈકીનો એક છે. દર વર્ષે ઘનિષ્ઠ ચકાસણી બાદ જ સંબંધિત શ્રેણીમાં વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ એવોર્ડની સ્‍પર્ધામાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કેન્‍દ્ર સરકારના મહારત્‍ન, નવરત્‍ન અને મિનિરત્‍ન સહિતના તમામ જાહેર સાહસો તથા રાજય સરકારોના જાહેર સાહસોને આવરી લેવાય છે. પ્રથમવાર કોઇ રાજય સરકારના જાહેર સાહસને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો છે.

એવોર્ડની વિશિષ્ઠ જૂરીમાં વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા ટોચના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ દરેક ઉમેદવારોની યોગ્‍યતાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા અને ત્‍યારબાદ સંબંધિત કેટેગરીમાં એવોર્ડ વિજેતાઓની પસંદગી વિશિષ્ઠ જૂરીની બેઠક મળેલી હતી. બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડ રિસર્ચ બ્‍યુરોએ કંપનીઓના પ્રદર્શનના આધારે ઉમેદવારોની લાંબી સૂચી તૈયાર કરી હતી. આ સૂચિમાંથી જૂરીએ સ્‍ટાર પીએસયુ એવોર્ડ ૨૦૨૦ સહીત કુલ સાત શ્રેણીઓ માટે વિજેતાઓના નામની પસંદગી કરી હતી.

કુમાર મંગલમ બિરલાના અધ્‍યક્ષ સ્‍થાને સાત સભ્‍યોની જૂરી દ્વારા આ એવોર્ડ પસંદગી કરાઇ હતી.

વર્ષ ૨૦૨૦ તમામ પ્રકારના ધંધા-ઉદ્યોગો માટે ખૂબ જ પડકારજનક રહ્યું હતું. આવા કપરા સમયમાં કંપનીની વહીવટી કુશળતા, સમાજના વિકાસમાં ફાળો, વ્‍યાપ, ટકાઉપણા, નેતૃત્‍વ અને સંશોધન, નૈતિકતાના મૂલ્‍યો, બિઝનેસ અંગેની દીર્ઘદ્રષ્ટિ અને નાણાકીય બાબતો તથા બજારમાં મૂડીરોકાણને ધ્‍યાનમાં લઈને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ પ્રસંગે ગુજરાત ગેસ કંપનીના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:42 am IST)