Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍યોને બીજેપીમાં પ્રાપ્‍ત થયેલ મંત્રીપદ અંગે ટોણો મારતા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી : ભાજપમાં ચૂંટાયેલા રહી ગયા ને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા મંત્રી બની ગયા

 

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને બીજેપીમાં આવતા પ્રાપ્ થયેલ મંત્રી પદ અંગે ટોણા મારતા વિરોધૅપક્ષના નેતા પરેશ ધાનાણીઅે ટવીટર પર ટોણો મારતા જણાવ્યું હતું કે ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો રહી ગયાને કોંગ્રેસમાંથી ચૂંટાયેલાઓ મંત્રી બની ગયા છે.

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં કોંગ્રેસમાંથી 24 કલાક અગાઉ ભાજપમાં જોડાયેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને કેબિનેટ મંત્રીપદ મળ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં મંત્રીપદ મળવાની રાજકીય ગતિવિધિ પર પરેશ ધાનાણીએ ટ્વીટર પર ભાજપ સરકારને ટોણો માર્યો હતો. પરેશ ધાનાણીએ ભાજપના, સાત, છ, પાંચ, ચાર અને ત્રણ ટર્મ ચૂંટાયેલા ધારાસભ્યોનું લિસ્ટ મૂકી લખ્યું હતું કે ' ચોકીદાર સાહેબ, કોંગ્રેસમાં ચુંટાયેલા બધા બની રહ્યા છે મંત્રી અને,ભાજપમાં ચુંટાયેલા શું કામે રહી ગયા સંત્રી.? '

આ મંત્રી મંડળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ભાજપની ટિકિટ પર જામનગરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ મંત્રીપદ મળ્યું છે. કોંગ્રેસના કુંવરજીભાઈને પણ ભાજપે અગાઉ રાતો રાત મંત્રી બનાવ્યા હતા.

પરેશ ધાનાણીએ ગઈકાલે પણ બે ટ્વીટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. પરેશ ધાનાણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓનું લિસ્ટ મૂક્યું હતું. તેમાં જસા બારડથી લઈને રામસિંહ પરમાર, પ્રભુ વસાવા, શંકરસિંહ વાઘેલા, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા કુંવરજી બાવળિયા વગેરે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાના નામો લખ્યા હતા.

ગઈકાલે વધુ એક ટ્વીટ કરીને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે 'લોકશાહી લાજી રહી છે' ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણીએ ટ્વીટર પર જે ભાજપના ધારાસભ્યોના નામ મૂક્યા છે તેમાં સાત ટર્મ જીતેલા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, છ ટર્મ જીતેલા ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, વાઘોડીયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, પાંચ ટર્મ જીતેલા ભુજના ધારાસભ્ય નીમા બહેન આચાર્ય, શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, ઉમરગાવના ધારાસભ્ય રમણભાઈ પાટકર, જલાલપુરના ધારાસભ્ય આર.સી. પટેલ, ઉપરાંત ચાર અને ત્રણ ટર્મ જીતેલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

 

(11:19 pm IST)