Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

બાકી પ્રોપર્ટી ટેકસની રિબેટ યોજના બંધ થતા આવક ઘટી

રિબેટમાં વ્યાજમાં સો ટકા સુધીની માફી હતી : માર્ચ ર૦૧૮માં રિબેટ યોજનાના કારણે ટેક્સ વિભાગને ૧પર.૪૦ કરોડની આવક : યોજના શરૂ કરવાની માંગણી

અમદાવાદ,તા. ૯ : ઓકટ્રોય આવક બંધ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનું એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે પરંતુ પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ૪૦ ટકા ઓછો સ્ટાફ તેમજ સમાયાંતરે સોંપાતી અન્ય કામગીરીના કારણે છેલ્લાં કેટલાંક વર્ષથી બજેટમાં દર્શાવેલા આવકના લક્ષ્યાંકને મેળવવામાં અમ્યુકો તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. તેમાં પણ છેલ્લા બે દાયકાથી અમલમાં મૂકાતી બાકી પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં રિબેટ આપનારી યોજનાને બંધ કરવાથી માર્ચ એન્ડિંગના આ દિવસોમાં મ્યુનિસિપલ તિજોરીને આવકમાં ફાંફાં પડ્યાં છે. બીજીબાજુ, નાગરિકોના હિતમાં પણ બાકી પ્રોપર્ટી ટેકસની રિબેટ યોજના પુનઃ ચાલુ કરવા માંગણી ઉઠવા પામી છે, જેથી નાગરિકો ટેક્સ ભરવા માટે પ્રેરાય. ગત એપ્રિલ ૨૦૧૮માં તંત્રને રેકોર્ડ બ્રેક રૂ.ર૮૮.૮૦ની આવક થઇ હતી. પરંતુ પ્રોપર્ટી ટેક્સના નાના ડિફોલ્ટર્સ લાંબા સમયથી ટેક્સ વ્યાજમાં રાહત આપનારી રિબેટ યોજનાની જાહેરાત માટે આતુર હતા. બાકી ટેક્સ રિબેટ યોજના હેઠળ કરદાતાઓને ગત નાણાકીય વર્ષના આકરા વ્યાજદરમાં સો ટકા સુધીની માફી મળતી હતી. પરંતુ આ યોજના હેઠળ બંધ મિલકતને લઇને અવનવા કૌભાંડ પ્રકાશમાં આવતા વહીવટીતંત્રે તેમાં રસ દાખવ્યો ન હતો. શાસકોએ પણ પાછળથી વહીવટી સત્તાવાળાઓના સૂરમાં સૂર પુરાવ્યો હતો. જેના કારણે સમગ્ર રિબેટ યોજનાને અભરાઇએ ચઢાવી દેવાઇ છે. ગત માર્ચ ર૦૧૮માં રિબેટ યોજનાના કારણે ટેક્સ વિભાગને રૂ.૧પર.૪૦ કરોડની આવક થઇ હતી જ્યારે ચાલુ માર્ચમાં ગત તા.૮ માર્ચ સુધીમાં માંડ રૂ.૧૯.૮ર કરોડની આવક થઇ છે. ગઇકાલે સત્તાવાળાઓ સમગ્ર દિવસભર માત્ર રૂ.ર.૭પ કરોડની આવક મેળવી શકયા હતા. આ બાબત માર્ચ એન્ડિંગના દિવસોમાં સત્તાવાળાઓ માટે ભારે કફોડી હાલત કરનારી છે. એટલે ચાલુ વર્ષે ટેક્સ આવકનો અગાઉનો રૂ.૯પ૦ કરોડના લક્ષ્યાંકને  બદલે સુધારિત રૂ.૯૦૦ કરોડની આવક મેળવવી પણ અધરી બાબત બની છે. જો કે, નાગરિકોની માંગને ધ્યાનમાં લઇ રિબેટ યોજના પુનઃ અમલી બનાવવા અંગે અમ્યુકો સત્તાવાળાઓએ યોગ્ય નિર્ણય લેવાની તાતી જરૂર છે. જે આખરે કોર્પોરેશન અને નાગરિકો બંનેના હિતમાં છે.

 

(8:18 pm IST)