Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જયંતિ ભાનુશાળી કેસમાં છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થની પૂછપરછ થઈ

છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ પટેલ સીટ સમક્ષ હાજર : ટોપ તપાસ અધિકારીઓ દ્વારા બંધબારણે છબીલ પટેલના પુત્રની કલાકો સુધી પૂછપરછ : હજુય નવી વિગતો ખુલશે

અમદાવાદ,તા. ૯ : સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક પછી એક વિગતો મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ હત્યા કેસના મુખ્ય આરોપી ગણાતા છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની આજે પૂછપરછનો સીલસીલો શરૂ થયો હતો. ખાસ તપાસ સંસ્થા સીટ સમક્ષ છબીલ પટેલનો પુત્ર ઉપસ્થિત થયો હતો. પૂછપરછને લઈને હજુ સુધી કોઈ વિગત જારી કરાઈ નથી પરંતુ ટોપના અધિકારીઓ પૂછપરછને લઈને સંતુષ્ટ દેખાઈ રહ્યા નથી. સૂત્રોના મતે, છબીલના પુત્ર સિધ્ધાર્થે મોટાભાગના પ્રશ્નોનો ગોળગોળ જવાબ આપ્યો હતો પરંતુ તેમછતાં સીટના અધિકારીઓને કેસમાં મદદરૂપ થાય તેવી પણ કેટલીક વિગતો અને મહત્વની બાબતો જાણવા મળી છે, જેના આધારે હવે સીટ તરફથી કેસમાં આગામી તપાસમાં પ્રગતિ હાથ ધરાશે.    ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અત્યારસુધીમાં આરોપી રાહુલ પટેલ, નીતિન પટેલ, શશીકાંત કાંબલે, અશરફ અનવર શેખ અને વિશાલ કાંબલેની ધરપકડ થઈ ચૂકી છે. જે પૈકીના વિશાલ કાંબલેના રિમાન્ડ પૂરા થતાં તેને પુનાની યરવડા જેલ મોકલી દેવાયો હતો. ઉલ્લેખનીય છે, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ નાસતા ફરે છે અને તે વિદેશમાં હોવાની પુષ્ટિ થઇ ચૂકી છે. અગાઉ છબીલ પટેલે ગત તા.૧૧ ફેબ્રુઆરીએ એક ઓડિયો વાઈરલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું. કામ માટે અવાર નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે તો હું મીટિંગો પતાવી તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. મને ગુજરાતની પોલીસ પર પુરો ભરોસો છે. છેલ્લી મીટિંગ પુરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ. મારા કામ પુરા થવાની તૈયારીમાં છે. જો કે, છબીલ પટેલના આ વીડિયો વાયરલ થયા બાદ ભાનુશાળીના પરિવારજનોએ આ છબીલ પટેલનો એક સ્ટંટ માત્ર હોવાનો અને સમગ્ર કાવતરું તેના ઇશારે પાર પડાયુ હોવાનો અને તે જ મુખ્ય સૂત્રધાર આરોપી હોવાનો ગંભીર આરોપ ફરી એકવાર લગાવ્યો હતો. જો કે, સીટ દ્વારા સમગ્ર મામલાની ખરાઇ માટે આજે છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલને બોલાવી તેની કલાકો સુધી  પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી.

પૂછપરછની સાથે સાથે

*    જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉંડી તપાસ જારી

*    હત્યા કેસના આરોપી છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ તપાસ સંસ્થા સંસ્થા સમક્ષ ઉપસ્થિત થયો

*    સીટના અધિકારીઓ દ્વારા છબીલ પટેલના પુત્રની બંધબારણે કલાકો સુધી પૂછપરછ કરાઈ

*    મોટાભાગના પ્રશ્નોનો છબીલ પટેલના પુત્રએ યોગ્ય જવાબ ન આપ્યો

*    અધિકારીઓને વિગતના આધાર ઉપર આગળ વધવામાં હજુ તકલીફ પડી રહી છે

*    જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અનેક આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે

 

(8:14 pm IST)