Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ડેનિમ પ્રોડકશનમાં ગુજરાતના ડંકા

૪ વર્ષમાં ઉત્પાદન ડબલ : અમદાવાદ - સુરતમાં ૮ નવી કંપની આવી

નવી દિલ્હી તા. ૯ : ગુજરાતમાં ડેનિમનું ઉત્પાદન ૪ વર્ષમાં ડબલ થયું છે એ સાથે જ દેશના ડેનિમ કેપિટલ તરીકે જાણીતા બનેલા ગુજરાતની ડેનિમ મેન્યુફેકચરિંગ કેપેસિટી ૧૦૦ કરોડના આંકડાના ક્રોસ કરી ચૂકી છે. રાજયમાં નવા સ્થપાઈ રહેલા ડેનિમ પ્લાન્ટ અને જૂની ડેનિમ બનાવતી કંપનીઓએ પ્રોડકશનમાં વધારો કરતા ફેબ્રિક મેન્યુફેકચરિંગની ક્ષમતા વધી રહી છે.

ડેનિમ મેન્યુફેકચરર્સ એસોસિયેશન (DMA) મુજબ, વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં રાજયમાં ડેનિમ પ્રોડકશનની કેપેસિટી ૧.૮ બિલિયન મીટર સુધી પહોંચી ગઈ હતી. રાજયમાં પહેલાથી જ જાણીતા ડેનિમ મેન્યુફેકચર્સ જેવા કે અરવિંદ લિમીટેડ, નંદન ડેનિમ અને આરવી ડેનિમ દેશના ટોટલ ૧.૦૮ બિલિયન મીટરની કેપેસિટીમાંથી ૬૦ ટકા જેટલું પ્રોડકશન કરે છે.

દેશના અન્ય ભાગો તથા વિદેશમાં વધી રહેલી ડેનિમની માગને જોતા અમદાવાદ અને સુરતમાં આઠ નવી કંપનીઓએ પણ એન્ટ્રી કરી છે. આ સાથે જ જૂના ઉત્પાદકોએ પણ આ દરમિયાન પ્રોડકશનમાં ઘણો વધારો કર્યો છે. પરિણામે ગુજરાતમાં ડેનિમ પ્રોડકશન જે વર્ષ ૨૦૧૫માં ૬૦૦ મિલિયન મીટર હતું તે હવે ૮૦ ટકા વધીને ૧.૦૮ બિલિયન (૧૦૮ કરોડ) મીટર પહોંચી ગયું. હાલમાં રાજયમાં ડેનિમ બનાવતી ૨૪ મીલો કાર્યરત છે, જે સમગ્ર દેશમાં રહેલી ૫૦ મીલોની સંખ્યામાં લગભગ અડધી કહી શકાય.

ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડેનિમ કાપડનું પ્રોડકશન સ્થાનિક મીલોની ક્ષમતાનું સૂચન કરે છે. કેટલીક કંપનીઓએ એપેરલ સેગમેન્ટમાં પ્રવેશવાનું શરૂ કર્યું છે અને તેમની સંખ્યા વધી શકે છે. અમદાવાદની નંદન ડેનિમના સીઈઓ દીપક ચિરિપાલે જણાવ્યું કે, ગુજરાતમાં પહેલાથી જ ડેનિમ ઉત્પાદક ઈન્ડસ્ટ્રીનો વિસ્તાર થયો છે, એટલે હવે તેના વધવાના ચાન્સ ઓછા છે. તેના બદલે ઈન્ડસ્ટ્રીના લોકો એપેરલ સેગમેન્ટ તરફ વળી શકે છે. આવું એટલા માટે કારણ કે રાજય સરકારની પોલિસી એપેરલ અને ગામર્િેન્ટંગ સેકટરને પ્રોત્સાહિત કરનારી છે.

(12:07 pm IST)