Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ગુજરાતભરમાં જીલ્લા-શહેરી પોલીસ મથકોમાં 'ઇલેકશન સેલ' કાર્યરત થશે

એસપીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા, નાકાબંધી, ચેકીંગ અને શકમંદ તત્વો ઉપર વોચ રાખવા ડીજીપીના આદેશઃ પોલીસ સ્ટાફને ઇલેકશન સંબંધી ખાસ તાલીમ આપોઃ સંવેદનશીલ-અતિ સંવેદનશીલ બુથો પરની ખાસ વ્યવસ્થા માટે શિવાનંદ ઝાએ વિડીયો કોન્ફરન્સ દ્વારા સુચન કર્યા

રાજકોટ, તા., ૯: ગુજરાતના તમામ જીલ્લા અને શહેરી પોલીસ મથકોમાં 'ઇલેકશન સેલ'  કાર્યરત કરવા, ચુંટણી સંદર્ભેની ઝીણવટભરી માહીતીઓ, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બુથોની ઓળખ કરવા સાથે સ્ટાફને ચુંટણી સંદર્ભેની  જરૂરી તાલીમ આપવા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ તમામ જીલ્લા પોલીસવડાઓ, રેન્જ વડાઓ અને પોલીસ કમિશ્નરો સહિત લો એન્ડ ઓર્ડરની કામગીરી સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા હતા.

શિવાનંદ ઝાએ ઉકત આદેશો અને માર્ગદર્શન ગઇકાલે રાજયભરના એસપી કક્ષાના ઉપરી અધિકારીઓ સાથે ખાસ વિડીયો કોન્ફરન્સ કરીને આપ્યા હતા. તેઓએ વિશેષમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રીતે જાળવવા પણ ખાસ સુચના આપી હતી.

ડીજીપીએ જીલ્લા વડાઓ, રેન્જ વડાઓ અને પોલીસ કમિશ્નરોને ખાસ જરૂરીયાત સિવાય કોઇ સંજોગોમાં હેડ કવાર્ટર ન છોડવા સુચવવા સાથે પોતાના જયુરીડીકશનમાં કડક ચેકીંગ, નાકાબંધી સહિતના પગલાઓ સાથે પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ શકમંદ તત્વો પર વોચ ગોઠવવા સુચવ્યું હતું. તેઓએ વધુમાં દરીયાઇ સરહદો અને સંવેદનશીલ જીલ્લા તથા ધાર્મીક આસ્થાના પ્રતીક સમા ધર્મસ્થાનો તથા ઉદ્યોગગૃહો, રિફાઇનરીઓની સુરક્ષા માટે સમયાંતરે સુરક્ષા વ્યવસ્થા રીવ્યુ કરવા સુચવ્યું હતું. તેઓએ રાજયની પોલીસ વડાની કચેરીએ કરેલ કાર્યવાહીના રીપોર્ટો મોકલવા પણ ખાસ આદેશો આપ્યા છે.

(12:03 pm IST)