Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

GMERS મેડિકલ કોલેજ કર્મીઓને પગાર પંચનો લાભ

ગુજરાત સરકારનો કર્મચારીલક્ષી નિર્ણયઃ સાતમા પગાર પંચનો લાભ આપવા જાહેરાત : એયરિયર્સ અંગે અલગથી નિર્ણય લેવામાં આવશે : નાયબ મુખ્યમંત્રી

અમદાવાદ,તા.૮: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે તમામ અધિકારી-કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો આપી દીધા છે ત્યારે રાજ્યની કૃષિ યુનિવર્સિટી રાજ્ય સરકાર સંચાલિત ૬ મેડીકલ કોલેજો તથા ૨ ડેન્ટલ કોલેજો અને GMERS સંચાલિત ૮ મેડીકલ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કે જે રાજ્ય સરકારના મંજૂર મહેકમ પર કામ કરી રહ્યા છે તેઓને ૭મા પગારપંચના લાભ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, આ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો કરી હતી. તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આજે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેને નાણા વિભાગ અને આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે. આ સાતમા પગારપંચના લાભો તા.૦૧/૦૪/૨૦૧૯થી રોકડમાં પગારનું ચૂકવણુ થશે. જ્યારે એરિયર્સ અંગે અલગથી નિર્ણય કરવામાં આવશે. પટેલે ઉમેર્યુ કે, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, બિન શૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓ કે જે સરકાર માન્ય મહેકમ પર ફરજો બજાવે છે. તે તમામને લાભ મળશે. એજ રીતે રાજ્ય સરકાર સંચાલિત મેડીકલઅને ડેન્ટલ કોલેજોના પ્રાધ્યાપકો, સહપ્રાધ્યાપકો, મદદનીશ પ્રાધ્યાપક- વર્ગ-૧ના તમામ અધિકારી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ અને ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મીઓને આ સાતમા પગારપંચના લાભો તા.૦૧/૦૪/૨૦૧૯થી મળતા થઇ જશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

(10:19 pm IST)