Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

બાયડના ગાબટમાં પ્રેમલગ્ન કરનાર દંપતીને પોલીસ રક્ષણ સાથે વતન લવાયુ

વિપ્ર યુવાને પાટીદાર યુવતી સાથે ભાગી જતા સામસામે મારામારી અને રાયોટનો ગુન્હો નોંધાયેલ :મામલો હાઇકોર્ટે પહોંચતા પોલીસ બંદોબસ્ત અપાયો આવવા હાઇકોર્ટનો આદેશ

 

બાયડ :તાલુકાના ગાબટમાં પ્રેમલગ્ન કરનાર એક યુગલને પોલીસ રક્ષણ સાથે ઘેર લવાયું હતું આજથી મહિના અગાઉ વિપ્ર યુવાને પાટીદાર યુવતીને લઈને ભાગી જતાં સામસામે મારામારીના કેસ નોંધાતાં પોલીસે રાયોટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અંતે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતાં પ્રેમ લગ્ન કરનાર યુગલને પોલીસ રક્ષણ સાથે તેમના વતન ગાબટમાં મૂકી આપવાનો આદેશ કરાતાં તા.૯ના રોજ સાઠંબા પોલીસે ગાબટમાં પોલીસ બંદોબસ્ત ખડકી પ્રેમ લગ્ન કરનાર યુગલને તેમના ઘરે મુકતાં એક તબક્કે ઉત્તેજના વ્યાપી હતી

   એક સમયે તીર્થ ગામ (ગુનાખોરી બનતી હોય તેવું ગામ)માં ગાબટ ગામની ગણના થતી હતી પરંતુ પાછલા એક વર્ષમાં ગામમાં અનેક સમાજ અને પરિવાર વચ્ચે વૈમનસ્ય વધવા લાગ્યું છે. આજથી મહિના અગાઉ સુનિલ ભટ્ટ નામના બ્રાહ્મણ યુવાનને પાટીદાર યુવતી સાથે પ્રીત બંધાતાં બંન્ને પલાયન થઈ ગયા હતા ત્યારથી ગામમાં પાટીદાર અને બ્રાહ્મણ પરિવાર વચ્ચે સામાન્ય બોલાચાલી થવા લાગી હતી અને એક દિ રાત્રે મોટો ભડકો થતાં પોલીસે ૩૩ થી વધુ આરોપીઓ વિરૃદ્ધ રાયોટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

   પ્રેમ લગ્ન કરનાર યુગલ ગામમાં અને પરિવારમાં વાતાવરણ તંગ હોવાથી વતન આવવાની હિંમત કરતું હતું. આખરે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતાં ગુજરાત હાઈકોર્ટે સાઠંબા પોલીસને પ્રેમ લગ્ન કરનાર યુગલને પોલીસ રક્ષણ સાથે તેના વતન મૂકી આપવા અને જરૃરી સુરક્ષા પૂરી પાડવા આદેશ કરતાં પી.આઈ. એન.વી.રબારી, સાઠંબા પી.એસ.આઈ. જી.કે.બારોટ તથા પોલીસના કાફલા સાથે યુગલને ગાબટ લઈ જવામાં આવ્યા ત્યારે ફળીયા, મહોલ્લામાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો

(11:05 pm IST)