Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પુત્રીના અશ્લિલ ફોટા પિતાને મોકલનાર યુવક અંતે ઝડપાયો

૨૫ લાખની ખંડણીની યુવકે માંગ કરી હતી : અમદાવાદમાં બીબીએમાં અભ્યાસ કરનાર યુવકે પુત્રીના ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ ફરિયાદ થઇ

અમદાવાદ,તા. ૯ : ગર્લફ્રેન્ડના બિભત્સ ફોટા તેના પિતાને મોકલી એક યુવકે રૂ.૨૫ લાખની ખંડણી માંગતા શહેર ક્રાઇમબ્રાંચે ગણતરીના કલાકોમાં જ મૂળ પોરબંદરના વતની અને હાલ અમદાવાદમાં રહી બીબીએનો અભ્યાસ કરતાં આરોપી યુવક હર્ષ દિપકભાઇ મદલાણીની ધરપકડ કરી લીધી હતી. યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ક્રાઇમબ્રાંચે યુવકની ધરપકડ કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરમાં રહેતા ફરિયાદી પિતાની પુત્રી અમદાવાદમાં એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને હાલ તે બોડકદેવમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. ચાર દિવસ પહેલાં યુવતીના પિતાના મોબાઇલમાં વોટ્સ એપ પર તેમની પુત્રીના બિભત્સ ફોટા આવ્યા હતા. જેથી ફરિયાદી પિતાએ એ મોબાઇલ નંબર પર ફોન કર્યો હતો, જેથી સામેથી આરોપી હર્ષ મદલાણીએ જણાવ્યું હતું કે, તે તેમની પુત્રીનો મિત્ર છે અને તેણે જ તેમને આ ફોટા વોટ્સ એપ કર્યા છે. આવા બીજા ઘણા ફોટાઓ તેની પાસે છે. આ બધા ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હું તમને અને તમારી પુત્રીને બદનામ કરી દઇશ અને જો તેમ ના કરવું હોય તો, રૂ.૨૫ લાખ મને આપી દો એમ કહી આરોપી યુવકે ફરિયાદી પિતા પાસેથી ખંડણી માંગી હતી. બીજીબાજુ, પિતાએ આ સમગ્ર મામલા અંગે પોતાની પુત્રી પાસેથી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તેના પિતાને જણાવ્યું હતું કે, આરોપી હર્ષ તેનો મિત્ર છે અને તે ઘણીવાર તેના મિત્રો સાથે મળવા માટે તેને હોટલમાં બોલાવતો હતો, ત્યાં હર્ષે કેવી રીતે તેના આવા ફોટા પાડી લીધા તેની તેને ખબર નથી. બાદમાં ફરિયાદી પિતાએ આરોપી હર્ષ મદલાણીને આટલા બધા પૈસાની વ્યવસ્થા કરવા માટે ચાર દિવસનો સમય આપવા માંગણી કરી હતી અને બીજીબાજુ, આ સમગ્ર પ્રકરણની ફરિયાદ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચમાં નોંધાવી હતી. યુવતીના પિતાની ફરિયાદના આધારે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ગણતરીના કલાકોમાં જ રૂ.૨૫ લાખની ખંડણી માંગી પિતા-પુત્રીને હેરાન કરનાર આરોપી યુવક હર્ષ દિપકભાઇ મદલાણીને ઝડપી લીધો હતો અને તેની વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(8:38 pm IST)