Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ચોરીના મામલામાં પ્રવાસીને વ્યાજ સાથે વળતરનો આદેશ

અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક ફોરમનો મહત્વનો ચુકાદો : દાગીના ચોરી થયા બાદ ફરિયાદી ગ્રાહકને ૫૦ હજારનું વળતર ચૂકવવા એરઅરેબીયા, એરપોર્ટ ઓથોરિટીને હુકમ

અમદાવાદ,તા. ૯ : ઇન્ટરનેશનલ એર ફલાઇટમાં પેસેન્જરોના કિમતી માલસામાનની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ આર.એમ.પરમાર અને સભ્યો નયના પાટડીયા અને અમી ડી.જોષીએ એક મહત્વના ચુકાદા મારફતે ફરિયાદી ગ્રાહકને તેના બેગેજમાંથી ચોરી થયેલા સોનાના દાગીનાની નુકસાની પેટે રૂ.૫૦ હજારનું વળતર ફરિયાદ કર્યા તારીખથી ૯ ટકાના વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચૂકવી આપવાનો એર અરેબીયા અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને ફરમાન કર્યું છે. ફરિયાદી ગ્રાહક તરફથી ફોરમમાં દલીલો કરનાર ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક ફોરમનો આ ચુકાદો અન્ય પ્રવાસીઓ અને પેસેન્જરોને ન્યાય મેળવવા માટે ઘણો લાભકારી અને ઉપયોગી સાબિત થશે. ફોરમે ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, એરપોર્ટ ઓથોરીટીએ ફરિયાદી કે તેના કોઇ પ્રતિનિધિની હાજરીમાં સીસીટીવી ફુટેજની તપાસ કરી નથી અને સમગ્ર રીતે જોવામાં આળે તો, ફરિયાદીની હેન્ડબેગ લગેજ જે ચેકીંગ વખતે રજૂ કરી હતી, તે હેન્ડબેગ લગેજ તરીકે લઇ તેમાંથી ચીજવસ્તુઓ ગુમ થયેલી હોવાની હકીકત નહી માનવાને કોઇ કારણ નથી. એર એરબીયાની ફલાઇટમાં કુવૈતથી શારજહા અને શારજહાથી અમદાવાદ આવનાર પેસેન્જર વીરેન્દ્ર એચ.પારેખ તરફથી ગ્રાહક ફોરમમાં મહત્વની દલીલો કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, એર અરેબીયાના સ્ટાફે ત્યાં એરપોર્ટ પર ફરિયાદી ગ્રાહકની હેન્ડ બેગ ચેક કરીને પરત આપવાના બદલે લગેજમાં મોકલી દીધી હતી અને અમદાવાદ એરપોર્ટ પરથી કલેકટર કરી લેવાનું જણાવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર બે બેગેજ પર મળતાં હેન્ડબેગમાંથી પેસેન્જરના કિમતી મુદ્દામાલ જેમાં ૮૮ કુવૈેત દિનારની ત્રણ નંગ સોનાની વીંટી, ૬૭ કુવૈત દિનારની એક નંગ હીરાજડિત સોનાની વીંટી અને ૨૬૮ કુવૈત દિનારનું સોનાનું એક મંગળસૂત્ર અને ૧૭૦ કુવૈત દિનાર રોકડા ચોરાઇ ગયા હોવાનું માલૂમ પડયું હતું. જે અંગે ફરિયાદી ગ્રાહકે સરદારનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ સર્ટિફિકેટ મેળવ્યું હતું, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને પણ લેખિત ફરિયાદ કરી હતી એરલાઇન્સના મેનેજરને પણ લેખિત ફરિયાદ કરી હતી. કુવૈતના જવેલર્સ પાસેથી ખરીદેલા આ દાગીનાના  બીલો સહિતના તમામ પુરાવા રજૂ કર્યા હતા પરંતુ તેમછતાં એર અરેબીયાએ આવા કિસ્સામાં તેમની જવાબદારી બનતી નથી તેમ કહી હાથ ઉંચા કરી દીધા હતા. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફોરમનું ધ્યાન દોર્યું હતું કે, નિયમોનુસાર, એરલાઇન્સની મુસાફરી દરમ્યાન ભારતીય પ્રવાસી ૨૦ ગ્રામ સોનુ અથવા વધુમાં વધુ રૂ.૫૦ હજાર અને મહિલા પેસેન્જર ૪૦ ગ્રામ સોનું અથવા વધુમાં વધુ રૂ.એક લાખની કિંમત સુધીનું સોનુ ડયુટી ફ્રી લાવી શકે છે.

વળી, એર અરેબીયા કે એરપોર્ટ ઓથોરીટી જો કોઇ પેસેન્જરના માલસામાન કે મુદ્દામાલની ચોરી થઇ હોય કે ગુમ થવાના કિસ્સામાં તેમના કાર્યક્ષેત્રમાં આવતી જવાબદારીમાંથી છટકી શકે નહી. આ દલીલો ગ્રાહ્ય રાખી અમદાવાદ ગ્રામ્ય ફોરમે ઉપરમુજબ મહત્વનો ચુકાદો જારી કરી ફરિયાદી ગ્રાહકને ન્યાય આપ્યો હતો.

(8:38 pm IST)