Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મહેસાણા અને ભુજમાં પ્રાથમિક શાળાઓમાં ધુળ ખાતી સાયકલો મળતા દોડધામઃ તપાસનો ધમધમાટ

આણંદના ઠાસરા તાલુકાની વણુતી પ્રાથમિક શાળામાં આશરે 300 જેટલી સાયકલો ધૂળખાતી જોવા મળી હતી. ત્યારે  ઠાસરાના ધારાસભ્યએ વણુતી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. સાયકલોની હાલત જોઈને ધારાસભ્યની આંખો ખુલી રહી ગઈ હતી. ત્યાર બાદ તંત્ર પણ દોડતું થયું હતું. આ પ્રાથમિક શાળાની વિઝીટ ઠાસરાના પ્રાંત અધિકારીએ પણ કરી હતી. આ વિઝીટ પછી પ્રાંત અધિકારીએ તાબડતોબ મિટિંગ બોલાવી હતી.

વિઝીટ બાદ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે જણાવ્યું હતુ કે, આ સાયકલોનો મલિક કોણ છે, તેના ઉપર શાળા પ્રવેશ ઉત્સવ 201 નો સિક્કો વાગેલો છે, આનું સ્ટોક પત્રક સરકારે રાખેલું છે કે નથી રાખ્યું આ જાણવું જરૂરી છે. આ મામલે કોણ જવાબદાર છે, તે તપાસ કરીએ તો જ ખબર પડશે. આ સાયકલો અમારા ગામમાં 1 વર્ષ થી પડેલી છે એ તમારા દ્વારા ખબર પડી. જવાબદાર વ્યક્તિઓને નોટિસ આપી છુટા કરીદેવા જોઈએ. સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ.

તો બીજી બાજુ પ્રાંત અધિકારી અર્પિત સાગરએ જણાવ્યું કે, મેં વણુતી પ્રાથમિક શાળાની મુલાકાત આજે લીધી હતી. આ બધી નવી સાયકલો છે પછી મેં ત્યાંના આચાર્ય, TPO, BRCને બોલાવ્યા અને પૂછ્યું. મેં જિલ્લા લેવલે પણ વાત કરીને જણાવ્યું કે, એ સમયે કોઈ સ્કીમ હતી. સમાજ કલ્યાણ અને DEOની સરપ્લસમાં હતી. તેથી પડી રહી છે. પણ એમણે કોઈ જાણ કરવામાં નથી આવી કે આ સાયકલોનું શુ કરવાનું છે. મેં જાણ કરી છે કે જલ્દીમાં જલ્દી તેની તાપસ કરે અને મને જાણ કરે. સાઈકલ જેને મળવા પાત્ર હોય તેને તેનો લાભ મળે .

શિક્ષણ વિભાગનું સાયકલ કૌભાંડ રાજ્યવ્યાપી બન્યું છે. ત્યારે મહેસાણાના વિસનગરમા પણ સાયકલો ધૂળ ખાઈ રહી છે. વીસનગરમાં આવેલી આઈટીઆઈ કોલેજમાં આશરે 500 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે. આ સાયકલો વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી હોય છે, પરંતુ ઢગલાબંધ સાયકલ ધૂળ ખાતી હાલતમા જોવા મળી રહી છે. વિસનગરની આઈટીઆઈ કોલેજમાં વર્ષોથી આ સાયકલોનો ઢગલો કરીને મૂકી દેવાઈ છે.

સાયકલ કૌભાંડમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે કચ્છના ભુજમાં શાળા પ્રવેશોત્સવની સાયકલોનો ઢગલો ખડકાયો છે. મુન્દ્રા રિલોકેશન પ્રાથિમિક શાળામાં 500થી વધુ સાયકલો ખાઈ રહી છે. અહીંના જિલ્લા શિક્ષણાધિકારી આ સાઈકલો અંગે અજાણ છે.

સાયકલ કૌભાંડના મૂળ સુધી સુધી અમે પહોંચવાનો પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, જુની સાયકલો જેમની તેમ રહે છે, છતાં નવી સાઈકલોની ખરીદી કરવામાં આવે છે. દર વર્ષે કરોડો રૂપિયાની સાઈકલો ખરીદાય છે. છેલ્લા 4 વર્ષમાં 220 કરોડ રૂપિયાની સાઈકલો ખરીદાય છે. જેમાં કુલ 8.48 લાખ સાયકલો ખરીદાઈ છે. ત્યારે હવે સાયકલોની ખરીદી પર પણ શંકા ઉભી થઈ રહી છે. જુની સાયકલોનો હિસાબ વિશે કોઈ જ ધ્યાન રાખવામાં આવતનું નથી, અને નવી સાયકલોની ખરીદી ધડાધડ કરાય છે.

દર વર્ષે ગ્રીમકો દ્વારા ખરીદાય છે કરોડોની સાયકલ 

2014 - 15માં 45.93 કરોડના ખર્ચે 1.89 લાખ સાયકલ ખરીદાઈ 

2015 - 16માં 54.92 કરોડના ખર્ચે 2.20 લાખ સાયકલ ખરીદાઈ 

2016 - 17માં 56.96 કરોડનાં ખર્ચે 2.24 લાખ સાયકલ ખરીદાઈ 

2017 - 18માં 62.11 કરોડનાં ખર્ચે 2.13 લાખ સાયકલ ખરીદાઈ

ત્યારે સવાલ ઉભો થાય છે કે, વર્ષ 2015ની સાયકલો પડી હોવા છતા નવી ખરીદી કેમ થાય છે. સરકાર શુ સાયકલો માત્ર કાગળ ઉપર જ ખરીદે છે. અને ખરીદી થાય છે, તો તેના બાદ સાયકલનું શુ થયું તે કેમ ચકાસવામા આવતું નથી. લાભાર્થી વિદ્યાર્થીનીઓ સુધી સાયકલો કેમ પહોંચતી નથી તેવા સવાલો વચ્ચે હાલ આ સાઈકલો ધૂળ ખાઈને પડી રહી છે.

(8:21 pm IST)