Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

૩૪ વ્‍યક્તિઓનો ભોગ લેનાર રંઘોળા અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઇવર નીતિન વાઘેલા ઝડપાયો

ભાવનગરઃ રંઘોળા પાસે સર્જાયેલ અકસ્માતમાં ૩૪ લોકોના મોત બાદ આ ઘટના સર્જનાર ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. જે આજે કુંઢળી ગામમાંથી ઝડપાઇ ગયો છે. તેની ધરપકડમાં એવો મોટો ખુલાસો થયો છે, જેને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ડ્રાઈવર પાસે લાયસન્સ જ ન હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરના રંઘોળામાં ગોઝારો અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે. આ ટ્રક ડ્રાઈવરનું નામ નીતિન લાલજી વાઘેલા છે. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર કુંઢળી ગામમાં છુપાયો હતો, અને આખરે પોલીસના હાથમાં આવ્યો હતો. અકસ્માત સર્જયા બાદથી જ નીતિન વાઘેલા ફરાર થઈ ગયો હતો. તેણે આત્મહત્યા કરી હોય તેવી પણ અફવાઓ ફેલાઈ હતી. પણ આખરે તે પકડાતા, એક્સિડન્ટ કેવી રીતે થયો તેનુ ખરુ કારણ જાણી શકાશે. ડ્રાઈવરની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, આ ટ્રક ડ્રાઈવર પાસે લાયસન્સ જ ન હતું અને તેની પાસે લાયસન્સ ન હોવાની જાણ ટ્રક માલિકને હતી. તેમ છતાં તેને ટ્રક ચલાવવા આપ્યો હતો.

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે મહુવા ડીવીઝનના (I/C) Dysp શ્રી ડી.ડી ચૌધરી સાહેબને તાજેતરમાં ભાવનગરના રંઘોળા નજીક થયેલ અકસ્માત અનુસંધાને સુલેહ - શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર  જરુરી પ્રેટ્રોલિંગ રાખવા તેમજ ટ્રક ડ્રાઈવરની વોચમા રહેવા  આપેલ સુચના અનવ્યે  મહુવા ડીવીઝન સ્કૉડના અધિકારીનાં માર્ગદર્શન હેડળ   પો.સ.ઈ શ્રી તથા સાથેના સ્કૉડના  પો. માણસો  મહુવા ડીવીઝન   વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના પો.કો જયરાજસિંહ રાજેન્દ્રસિંહનાઓને  તેમના વિશ્વાસુ બાતમીદાર દ્વારા રંઘોળા નજીક થયેલ અકસ્માતનો ટ્રક ડ્રાઈવર ક્યાં છૂપાયો છે તે અંગે બાતમી મળતા બાતમી આધારે  કોંજળી ગામ (તા - મહુવા )   આવતા ઉમરાળા  પો.સ્ટે  I - ગુ.ર.ન ૦૧૫૨૦૧૮ .ઈ.પી.સી  કલમ ૩૦૪ (અ) ૨૭૯ વિગરે  મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નામે નિતીનભાઇ લાલજીભાઇ વાઘેલા, ઉ.વ - ૨૮, રહે - અનિડા નો બાતમીદારે જણાવેલ જગ્યાએ હાજર હોય તેને પકડી પાડી તેના પર કાયદેસર કાર્યવાહી કરેલ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમા જ ભાવનગરના અનિડાથી ટાટમ ગામ જવા માટે એક પરિવાર જાનૈયાઓને લઈને લગ્ન માટે નીકળ્યો હતો. આ જાનૈયાઓ ટ્રકમા નીકળ્યા હતા. ટ્રકને રંઘોળા પાસે અકસ્માત થતા ટ્રક નાળામાં ખાબકી હતી. જેને કારણે 31 લોકોના મોત થયા હતા. હાલ આ મૃત્યુઆંક ૩૪ પર પહોંચી ગયો છે. આ અકસ્માતને કારણે લગ્ન જેવો ખુશીનો પ્રસંગ માતમાં ફેરવાઈ ગયો હતો. અનિડા માટે એકસાથે અનેક અર્થી ઉઠતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

આમ મહુવા ડિવીઝન સ્કૉડએ રંઘોળા નજીક બનેલ બહુ ચર્ચિત અને ગોઝારા અકસ્માતના ટ્રક ડ્રાઈવરને પકડી પાડવામા સફળતા મેળવી પ્રશંષનિય કામગીરી કરેલ છે.

(6:29 pm IST)