Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઉમરેઠમાં ચોકમાં બેઠેલ ગાયોની ઉઠાંતરી કરતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ

ઉમરેઠ:નગરમાં ગઈકાલે મધ્યરાત્રી બાદ મેલડી માતા વિસ્તારના ચોકમાં બેઠેલી ગાયોને વૈભવી કારમાં આવેલા ગાય ચોરો દ્વારા ઉપાડી જવાનો બનાવ સામે આવતા સ્થાનિક લોકો સહિત સૌ - ગૌપ્રેમીઓમાં આશ્ચર્ય સાથે ભયની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે ઉમરેઠ નગરમાં સઘન પેટ્રોલીંગના પોલીસના દાવા સદંતર પોકળ સાબિત થઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આણંદ બાદ હવે આ ટોળીએ ઉમરેઠને નિશાન બનાવ્યું હોવાનું લાગી રહ્યું છે.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રીના લગભગ પોણા બે કલાકની આસપાસ નગરના મેલડી માતા વિસ્તારમાં આવેલા ચોકમાં બેઠેલી ગાયોના ટોળામાંથી કેટલીક ગાયોને ઈનોવા કે અર્ટીગા જેવી દેખાતી વૈભવી કારમાં આવેલા અજાણ્યા ઈસમો ઉઠાવી જતા આ વિસ્તારના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ બનાવના પગલે સ્થાનિકો સહિત ઉમરેઠ નગરના ગૌપ્રેમી લોકોમાં ભય સાથે આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ સઘન પેટ્રોલીંગના દાવા અને મોડી રાત્રી સુધી ખુલ્લી રહેતી દુકાનો પર તવાઈ કરતી પોલીસ તકેદારી સ્વરૂપે પોલીસ કામગીરી કરી રહી હોવાના બણગાં ફુકે છે છતાં પણ તસ્કરો બિન્દાસ બની નગરના ભરચક વસ્તીવાળા મેલડી માતાના ચોકમાંથી ગાયોની ઉઠાંતરી કરી જવામાં સફળ બની જાણે પોલીસ પર પડકાર ફેંકતા હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ઉમરેઠમાં બકરી અને ગાય, ભેંસ જેવા પશુઓ ચોરાયા હોવાના બનાવો બની ગયા છે, ત્યારે શું ફરી ઉમરેઠ પંથકમાં પશુ ચોરી ટોળકી સક્રીય થઈ છે ? તેમ લોકોના મનમાં સવાલ ઊઠી રહ્યો છે. સીસીટીવીમાં અંધારાને કારણે ઈસમોના મોઢા બરાબર દેખાતા નથી પરંતુ કાર ઉપરથી જો તપાસ કરવામાં આવે તો પશુ ચોર ટોળકીનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

(6:00 pm IST)