Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કલોલમાં અગમ્યકારણોસર આધેડે ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત

કલોલ:માં રહેતો આધેડ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તેને પ્રથમ સારવાર અર્થે કલોલ સીએચસી અને ત્યારબાદ ગાંધીનગરની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે.
કલોલ તાલુકા પોલીસ મથકથી થોડે દૂર આવેલી ખુલ્લી જગ્યામાં તા.૬ માર્ચની સવારે રમણભાઇ ગુલાબભાઇ દેવીપુજક (ઉ.વ.૫૦) ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી કલોલ તાલુકા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા તેને સારવાર માટે કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. જેમાં તેના સગા-સંબંધીઓ આવી જતા પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર અર્થે ગાંધીગરની સિવીલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન રમણભાઇ દેવીપુજકનું મોત નીપજ્યું હતું.
પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તેનો કબ્જો વાલી વારસોને સોંપ્યો હતો. આ ઘટનાની તપાસ કરતા જમાદાર કરમશીભાઇએ જણાવ્યું હતું કે, મૃતકને કુલ પાંચ સંતાનો છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ ઘરેથી નીકળી ગયા હતા. બિમારી હોવાને લીધે આઘેડે બિમારીથી કંટાળીને આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લીધું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
ઉલ્લેખનીય છે કે આઘેડે બે વર્ષ પહેલા પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમના પુત્રોએ માણસાની હોસ્પિટલમાં સારવાર કરાવી પિતાને બચાવી લીધા હતા. જો કે આ વખતે આઘેડ વધુ માત્રામાં ઝેરી દવા પી ગયા હોવાથી સારવાર દરમિયાન તેમણે હોસ્પિટલના બિછાને દમ તોડયો હતો.

(5:59 pm IST)