Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સુરતમાં કાપડનો ધંધો શીખવા આવેલ વેપારી 95 લાખની ઉચાપત કરી રફુચક્કર

સુરત:રીંગરોડ મિલેનીયમ માર્કેટમાં દુકાન ધરાવતા ભટાર રોડના કાપડ વેપારીને ધરમ કરતાં ધાડ પડી હતી. ઈન્દોરના પરીચિત વેપારીના કહેવાથી તેના પુત્રને વેપારીએ ધંધો શીખવાડવા કામ પર રાખી બાદમાં વહીવટ સોંપ્યો હતો. પરંતુ વેપારીનો પુત્ર રૃ. ૭૫ લાખની ઉચાપત કરી તેમજ વેપારીઓ પાસેથી રૃ. ૨૦ લાખ મેળવી કુલ રૃ. ૯૫ લાખ લઈ ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભટાર રોડ ઉમાભવન સામે આકૃતિ એપાર્ટમેન્ટના ફલેટ નં. ૧૦૩ માં રહેતા નિતીનકુમાર વિપીનચંદ્ર શાહ રીંગરોડ મિલેનીયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. ગત સપ્ટેમ્બર ૨૦૧૪ માં ઈન્દોરના વેપારી રાજેશકુમાર જૈનના કહેવાથી તેમણે રાજેશકુમારના પુત્ર નમનને કાપડનો વેપાર ધંધો શીખવાડવા પોતાની દુકાન પર કામ ઉપર રાખ્યો હતો. નમન કામ શીખી જતાં નિતીનકુમારે વિમલનાથ ઈમ્પેક્ષના નામે પેઢી સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટમાં શરૃ કરી હતી અને તેનો પ્રોપાઈટર નમનને બનાવ્યો હતો.

નમનને ધંધામાં ફાવટ આવ્યા બાદ નિતીનકુમારને તેના ઉપર આંધળો વિશ્વાસ હતો. આથી જ તેમણે પોતાનું મોટાભાગનું કામકાજ તથા એકાઉન્ટનું કામકાજ નમનને સોંપી દીધું હતું. જો કે, નમને નિતીનકુમારની ત્રણ પેઢી વિમલનાથ ઈમ્પેક્ષ, મુન્ના ફેશન અને યશવી ક્રિએશનના ખાતાઓમાં અંદરો-અંદર એન્ટ્રી રાખતા હોય તેમાં ચેડાં કરી રૃ. ૭૫ લાખની ઉચાપત કરી હતી.

એટલું જ નહીં નમને નિતીનકુમારના વેપારીઓ પાસેથી પણ રૃ. ૨૦ લાખ મેળવ્યા હતા અને ગત જૂન ૨૦૧૭ માં તે ભાગી છૂટયો હતો. નમને કરેલી રૃ. ૯૫ લાખની ઉચાપત-છેતરપિંડી અંગે નિતીનકુમારને તે ભાગી છૂટયા બાદ જાણ થઈ હતી. નિતીનકુમારે આ અંગે ગતરોજ નમન રાજેશકુમાર જૈન (રહે. ૨૩, ગૌરવનગર, એરોડ્રમ રોડ, ઈન્દોર, મધ્યપ્રદેશ) વિરુધ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઉચાપત-છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ એલ.જી.દેસાઈ કરી રહ્યાં છે.

(5:59 pm IST)