Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વડોદરા: માતા-પિતાની ગેરહાજરીમાં મધરાતે યુવતી ભેદી સંજોગોમાં ગૂમ થઇ જતા ચકચાર

વડોદરા:શહેર નજીકના ગામમાં રહેતી ધો.૯ની વિદ્યાર્થિની તેના માતા-પિતાની ગેરહાજરીમાં મધરાતે ઘરેથી બહાર નીકળી ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થતાં વિદ્યાર્થિનીના અપહરણની પોલીસે ફરિયાદ નોંધી છે.

મુળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં શહેર નજીકના એક ગામમાં રહેતા દંપતીના ત્રણ સંતાનો પૈકીની સૌથી મોટી ૧૬ વર્ષીય પુત્રી ઇન્દોર ખાતે હોસ્ટેલમાં રહી ધો.૯માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીની વાર્ષિક પુરી થતા તે અત્રે વડોદરામાં તેના ઘરે વેકેશન મનાવવા આવી હતી.

તાજેતરમાં હોળી-ધૂળેટીનો તહેવાર હોઇ કિશોરીની માતા તેના વતનમાં સાસરીમાં ગઇ હતી અને ટ્રક ડ્રાઇવર પિતા પંજાબ ગયા હતા. ગત ૬ઠ્ઠી તારીખે વિદ્યાર્થિની તેના બે નાના ભાઇ-બેન સાથે રાતે સૂઇ ગયા બાદ મોડી રાતે જાતે ઘરેથી બહાર નીકળી ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી.

આ બનાવની જાણ થતાં વિદ્યાર્થિનીના માતા-પિતા અત્રે દોડી આવ્યા હતા અને પુત્રીની તપાસ કરી હતી જેમાં એવી વિગતો મળી હતી કે વિદ્યાર્થીની તેનો જન્મનો દાખલો અને આધાર કાર્ડ પણ તેની સાથે લઇ ગઇ છે.

આ બનાવની તેની માતાએ છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં વિદ્યાર્થિનીનું કોઇ અજાણ્યો શખ્સ એકલતાનો લાભ લઇ અપહરણ કરી ગયો હોવાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

(5:57 pm IST)