Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મહુધા નજીક ટ્રકની હડફેટે બે લોકો ઈજાગ્રસ્ત

નડિયાદ:મહુધા રોડ ઉપર  એક ગામ પાસેથી પસાર થતી ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર બન્ને  લોકો ઘવાયા છે.  આ અકસ્માત બાદ ટ્રક રોડ ઉપર પલ્ટી ખાઈ જતાં ટ્રક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
નડિયાદના મહુધા રોડ ઉપર આવેલ વીણા પાટીયા નજીક ગુરૃવારની બપોરે એક અકસ્માત સર્જાયો છે. જેમાં કપડવંજથી નડિયાદ તરફ આવતી ટ્રક નં.એચ.આર. ૫૫ ડબ્લ્યુ.૭૮૭૩ના ચાલકે પોતાની ટ્રક બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ બાઈક નં.જી.જે.૭ એ.૫૬૦૭ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક રોડની રેલીંગ કૂદાડી ખુલ્લી જગ્યા ઉપર જતુ રહ્યુ હતું. જ્યારે ટ્રક રોડ ઉપર પલ્ટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બાઈક ચાલક દિનેશભાઈ ફતાભાઈ રાઠોડ (ઉં.વ.૩૨) અને પાછળ બેઠેલા રમેશભાઈ નાગજીભાઈ રાઠોડ (બન્ને રહે.છીપડી)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તુરંત સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાથે સાથે  ટ્રક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ટ્રક રોડ ઉપર પલ્ટી ખાતા તેમાં ભરેલ વટાણાંની બોરીઓ રોડ ઉપર ઠલવાઈ પડી હતી. તેથી થોડા સમય માટે ટ્રાફીક જામ થઈ ગયો હતો. આ અંગેની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ આરંભી હતી. જોકે આ અંગે મોડી સાંજ સુધી ફરિયાદ નોંધાઈ નહતી.

(5:57 pm IST)