Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મેઘરજમાં સરકારી દવાખાનામાં ઓપીડી બંધ રેતા દર્દીને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

મેઘરજ:નગરના જુના સરકારી દવાખાનામાં ચાલતું સબસેન્ટર છેલ્લા કેટલાંક વર્ષોથી બંધ કરી દેવામાં આવતાં નગરજનોના દર્દીઓ સિનીયર સીટીજનો ભારે હાલાકી ભોગવી ખાનગી દવાખાનામાં સારવાર અર્થે જવું પડે છે.
મેઘરજ તાલુકાનું મુખ્ય મથક મેઘરજ નગર સાતથી આઠ કિ.મી. ઘેરાવામાં આવેલું છે જેની વસ્તી દસ હજાર ઉપરાંત આવેલી છે. સાથે સાથે આ તાલુકા મથકે બક્ષીપંચ અને આદિવાસી પ્રજા રોજ બરોજ ખરીદ કરવા તેમજ આરોગ્ય શૈક્ષણિક અર્થે આવે છે.
મેઘરજ નગરમાં ૨૦ વર્ષ પહેલાં મધ્યમાં જુના સરકારી દવાખાનામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલતું હતું જેનો લાભ મેઘરજ નગર સહિત આજુબાજુના ગામડાઓના દર્દીઓ પણ લાભ લેતાં હતાં. પરંતુ નગરથી ૨ કિ.મી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનવાના કારણે આ જુનુ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે નગરના દર્દીઓ ૨થી ૩ કિ.મી. વાસણા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રીક્ષાઓના ભાડા ખર્ચીને સારવાર અર્થે જવુ પડે છે સાથે સાથે વધુ પડતી બિમારી હોય તો મેઘરજ નગરના ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં જવુ પડે છે. આ અંગે મેઘરજ ભાજપના મહામંત્રી પ્રમોદભાઈ ગાંધીએ રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રભારી મંત્રી અને મેઘરજ સરપંચને લેખિતમાં રજુઆત કરી છે અને જુના સરકારી દવાખાનામાં સબ સેન્ટરનું મકાન બંધ છે તેમાં ઓ.પી.ડી. વિભાગ ચાલુ કરાવવા અનુરોધ કર્યો છે. જેથી નગરના દર્દીઓને આરોગ્ય સુવિધા મળી રહે. આ મેઘરજ ગ્રામ પંચાયતે સબ સેન્ટર ચાલુ કરવા અંગેનો ઠરાવ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવ્યો છે.

(5:56 pm IST)