Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

આક્ષેપ સીબીઆઇ અધિકારી સામે હોય કે પોલીસ અફસર પર તટસ્થ તપાસ કરી 'દુધનું દુધ અને પાણીનું પાણી' કરીશું: આશિષ ભાટીયા

૧૭ કરોડનો 'તોડ'...: આક્ષેપ સીબીઆઇ અને પોલીસ સામે, તાણાવાણા ભેદવાની જવાબદારી સીઆઇડીના શિરેઃ કાલ્પનીક ઘટનાને ટક્કર મારે તેવો આ કિસ્સો ગુજરાતભરમાં ગાજી રહયો છે તેવા આ કિસ્સામાં સીબીઆઇ અધિકારીનું કથન એવું છે કે, પોતાના નામનો કોઇ ઉપયોગ કરી ગયું છેઃ કરોડોના બીટકોઇન કોના ખાતામાં જમા થયા? : રહસ્યના આટાપાટા

રાજકોટ, તા., ૯: સુરતમાં જાણે-અજાણ્યે વિવાદાસ્પદ બિલ્ડર તરીકે જાણીતા બનેલા શૈલેષ ભટ્ટ પાસેથી પોલીસ અને સીબીઆઇના નામે ૧૭ કરોડનો તોડ થયાના ફરીયાદનો મામલો રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સુધી પહોંચતા તેઓએ આ મામલે રાજયના સીઆઇડી વડા આશિષ ભાટીયાને જાણ કરી અરજી આપવાનું જણાવવા સાથે જ સીઆઇડીએ આ મામલે તપાસનો પ્રારંભ કર્યાનું જાણવા મળે છે.

ઉકત બાબતે ડીજીપી કક્ષાના અનેક અટપટ્ટા ગુન્હાઓનો ભેદ ઉકેલી ચુકેલા સીઆઇડી વડા આશિષ ભાટીયાનો સંપર્ક સાધતા તેઓએ ૧૭ કરોડના કહેવાતા તોડ મામલાની અરજી સીઆઇડીને મળ્યાનું અને આ અરજીમાં સીબીઆઇ અધિકારી તથા અમરેલી પંથકના એક પોલીસ ઇન્સ્પેકટર સામે આક્ષેપ થયાની વાતને સમર્થન આપી આ બાબતે તટસ્થ તપાસ કરી દુધનું દુધ અને પાણીનું પાણી કરાશે તેમ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ગુજરાતભરમાં ભારે ચકચારી બનેલ  આ મામલની ચર્ચાતી વિગતો મુજબ ફરીયાદી બીટકોઇનના ધંધા સાથે સંકળાયેલ છે. તેમની પાસે કરોડો રૂપીયાના બીટકોઇન પડયા હતા. આ બાબતે તેમના નજીકના મિત્રો તથા તેમના એક ભાગીદાર આ બાબત જાણતા હતા.

ફરીયાદીના આક્ષેપ મુજબ તેમના ભાગીદારે તેમને એવું જણાવેલ કે, 'તમારા પર ઇડી અને સીબીઆઇની નજર છે' આવું કહી ડરાવ્યા હતા. યોગાનુયોગ આ દરમિયાન તેમને ગાંધીનગરના એક સીબીઆઇ ઇન્સ્પેકટરના નામે લેન્ડલાઇન પર ફોન આવ્યો હતો. આ ફોન બાદ તેઓ ડરી જતા અમદાવાદ ચાલ્યા ગયા હતા.

દરમિયાન ગાંધીનગરથી કહેવાતા સીબીઆઇ ઇન્સ્પેકટર સાથે આ મામલો પલ્ટાવા એક હોટલમાં સોદો થયો હતો અને જે મુજબ પ કરોડ કહેવાતા સીબીઆઇ ઇન્સ્પેકટરને આપ્યા હતા. સુત્રોના કથન મુજબ જે સીબીઆઇ ઇન્સ્પેકટરનું નામ સપાટી પર આવ્યું છે. તેમના વડા દ્વારા પ્રાથમીક પુછપરછ થતા પોતે આ બાબતે કંઇ જાણતા નથી. તેમના નામનો કોઇએ ઉપયોગ કર્યાનો ધડાકો કર્યો છે.

ફરીયાદીના અન્ય આક્ષેપ મુજબ અમરેલી પંથકના એક પોલીસ ઇન્સ્પેકટર તેમને ગાંધીનગર નજીકના એક ફાર્મ હાઉસમાં લઇ જઇ ૧ર કરોડના બીટ કોઇન માર મારી ધરાહાર ટ્રાન્સફર કરાવ્યાનું જણાવ્યું છે. ફરીયાદીએ વિશેષમાં અરજીમાં  સંબંધક અધિકારી સામે બીજા પણ કેટલાક આક્ષેપ મુકયા છે.

આમ સીઆઇડી પાસે વધુ એક કસોટીરૂપ મામલાની તપાસ આવી છે. આ મામલામાં અન્ય મામલા કરતા ફેર એ છે કે જેમની સામે આક્ષેપ છે તેઓ સીબીઆઇ અને પોલીસની એક મહત્વના હોદ્દા સાથે સંકળાયેલ અધિકારી છે. જો કે રાજય પોલીસ તંત્રમાં નીડર અને કાર્યદક્ષ અધિકારીની છાપ ધરાવતા આશિષ ભાટીયા કહે છે કે, અમે તટસ્થ તપાસ કરીને સત્યને બહાર લાવીશું.(૪.૧૨)

(3:57 pm IST)