Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

અસારવામાં નહી પ્રવેશવાની શરતે યુવકને જામીન આપ્યા

સરદારનગરમાં જાહેરમાં હત્યાનો ચકચારભર્યો કેસ :સીસીટીવીમાં હાજરી દેખાતા પોલીસે અપરાધીને પકડી લીધો હતો : કોર્ટે શરતો સાથે ૨૫ હજારના જામીન આપ્યા

અમદાવાદ,તા. ૮ : શહેરના સરદારનગર વિસ્તારમાં નજીવી તકરારમાં યુવકની કરપીણ હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં સંડોવણી ધરાવતાં આરોપી રાહુલ પટણીને ગુજરાત હાઇકોર્ટે  શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે ૧૯ વર્ષના આરોપી યુવક રાહુલ પટણીને આ કેસમાં ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાં સુધી અસારવા વિસ્તારમાં નહી પ્રવેશવા સહિતની શરતો સાથે જામીન મંજૂર રાખ્યા હતા. ગત તા.૨૪-૧૨-૨૦૧૭ના રોજ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી આકાશ પટણી અને તેના મિત્ર દ્વારા નજીવી તકરારમાં એક યુવકને છરી હુલાવી દઇ તેની ધોળાદહાડે જાહેરમાં હત્યા કરી નાંખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ચકચારભર્યા એવા આ કેસમાં આરોપી રાહુલ નટવરભાઇ પટણી તરફથી કરાયેલી જામીનઅરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ પ્રતિક નાયકે હાઇકોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદાર આરોપી વિરૂધ્ધ કોઇ નક્કર પુરાવા પોલીસને મળ્યા નથી. આરોપી પાસેથી કોઇ હથિયાર કે વાંધાજનક મુદ્દામાલ પણ રિકવર કરાયો નથી. અરજદાર સીસીટીવીમાં દેખાય છે પરંતુ તે મર્ડરમાં સંડોવાયેલો છે તે પ્રસ્થાપિત થતું નથી. વાસ્તવમાં હત્યારાઓ હત્યા કરી ભાગતા સીસીટીવીમાં દેખાય છે અને અરજદારની હાજરી પણ યોગાનુયોગ સીસીટીવીમાં દેખાતા પોલીસે અરજદારની પણ ધરપકડ કરી લીધી છે. વાસ્તવમાં અરજદારની આ ગુનામાં કોઇ સંડોવણી પ્રસ્થાપિત થતી નથી અને તેની વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બનતો ન હોઇ હાઇકોર્ટે જામીન આપવા જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદાર યુવકને રૂ.૨૫ હજારના શરતી જામીન આપ્યા હતા.

(8:35 pm IST)