Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વ્યાજખોરનો ત્રાસ : તંગ આવી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

વ્યાજખોરોના ત્રાસની વધતી જતી ફરિયાદો :આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક દરરોજનું ૧૫ હજાર વ્યાજ ચૂકવતો હતો :કારંજ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ

અમદાવાદ,તા. ૮ : શહેરમાં દિન પ્રતિદિન હવે વ્યાજખોરીનું દૂષણ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સ્ક્રેપના વેપારીની આત્મહત્યાનો મામલો શાંત નથી પડયો ત્યાં રિલીફરોડ પર ખલાસી વાડમાં રહેતા એક યુવકે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી તંગ આવી જઇ ઝેરી જવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે કારંજ પોલીસે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, આત્મહત્યાનો પ્રયાસ કરનારો યુવક રોજનું રૂ.૧૫ હજાર વ્યાજ ચૂકવતો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના રિલીફરોડ પર ખલાસી વાડ ખાતે રહેતો અને લાલ દરવાજા વિસ્તારમાં પાથરણાં બજારમાં લેડીઝ પર્સનો ધંધો કરતા ૨૩ વર્ષીય યુવક સાહિલ મહંમદસલીમ કુરેશીએ ધંધાના કામકાજ માટે ઇમરાન વીજળી ઘરવાળા પાસેથી રૂ.બે લાખ, નઇમ પાસેથી રૂ.દોઢ લાખ, સાજીદ પાસેથી રૂ.બે લાખ, સુબાખાન પાસેથી રૂ.ત્રણ લાખ અને સુફીયના પાસેથી રૂ. એક લાખ અને ફૈઝલ પાસેથી ૬૦ હજાર રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા. આ તમામ શખ્સોને સાહિલ વ્યાજે લીધેલા રૂ.૧૧.૧૦ લાખ પેટે રોજનું રૂ.૧૫ હજાર જેટલું ઉંચું વ્યાજ ચૂકવતો હતો અને તેને લઇ સતત માનસિક તાણમાં રહેતો હતો. બીજીબાજુ, છેલ્લા કેટલાક સમયથી તે નિયમિત રીતે વ્યાજ ચૂકવી શકતો ન હતો, તેને લઇ ઉપરોકત શખ્સો દ્વારા તેની પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાંખવાની ગંભીર ધમકી આપવામાં આવતી હતી, જેનાથી આખરે કંટાળી સાહિલે ગઇકાલે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે બાદમાં સાહિલે કારંજ પોલીસને પોતાની ફરિયાદ આપી હતી, જેના અનુસંધાનમાં પોલીસે ઉપરોકત શખ્સો વિરૂધ્ધ તપાસ શરૂ કરી છે.

(8:35 pm IST)