Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ફેબ્રુઆરી બાદ શેર બજારમાં ઘટાડાની અસરથી રાજ્યની મોટાભાગની કંપનીના શેર તૂટ્યા

અમદાવાદ: શેરબજારમાં ફેબ્રુઆરી બાદ ઘટાડાની ચાલ જોવા મળી છે. સરકારે બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખતાં તથા પીએનબીના બહાર આવેલા કૌભાંડના પગલે અને વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડાની અસરથી એફઆઇઆઇ સહિત સ્થાનિક રોકાણકારોની જોરદાર વેચવાલીના પગલે જાન્યુઆરીના અંતથી ગઇ કાલ સુધીમાં સેન્સેક્સમાં ૮.૧૫ ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.

રાજ્યની મોટા ભાગની કંપનીના શેરમાં તેની અસર જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં જાન્યુઆરીના અંતથી ગઇ કાલ સુધી ૧૧થી ૨૪ ટકા સુધીનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. ટોરન્ટ ફાર્મા, ટોરન્ટ પાવર, સદ્ભાવ અેન્જિ., ગણેશ હાઉસિંગ, કેડિલા હેલ્થકેર કંપનીના શેરમાં ઘટાડો જોવાયો છે.

રસપ્રદ બાબત એ છે કે આ સમયગાળામાં ઝાયડસ વેલનેસ કંપનીના શેરમાં ૨૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યની મોટા ભાગની પીએસયુ કંપનીના શેરમાં તોફાની ઘટાડાની ચાલ જોવાઇ છે. આ સમયગાળામાં ૮થી ૧૬ ટકા સુધીનો ઘટાડો જોવાયો છે. જોકે ગુજરાત ગેસના શેરમાં બે ટકા સાધારણ સુધારો નોંધાયો છે.

(8:05 pm IST)