Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વાપીમાં ડોક્ટરની બેદરકારીના લીધે દર્દીના મોત નિપજતા મામલો ગંભીર

વાપી:ની હરિયા હોસ્પિટલમાં એક કંપનીના કર્મચારીની બાયપાસ સર્જરી બાદ બેથી ત્રણક કલાક પછી અચાનક મોત થતાં પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપ સાથે ભારે હંગામો મચાવી દીધો હતો. પરીવારજનો અને સમાજના લોકોએ લગભગ ચારથી પાંચ કલાક સુધી વળતરની માંગણી સાથે ભારે ધાંધલ ધમાલ મચાવી દેતાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડયો હતો.
વાપીની બાયર કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં કામ કરતા અનિલકુમાર આર.પીલ્લાઈ (ઉ.વ.૪૬)ને હ્ય્દયની બિમારીને કારણે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગઈકાલે અનિલ પીલ્લાઈની બાયપાસ સર્જરી થઇ હતી. બાદમાં તેઓને આઈસીયુમાં ખસેડાયા હતા. લગભગ બેથી ત્રણ કલાક બાદ અનિલની તબીયત અત્યંત ગંભીર બની ગયા બાદ સારવાર દરમિયાન મોત થયુ હતું. આજે સવારે મૃતકના પરિવારજનો અને સમાજના ૧૫૦થીવધુ લોકોએ હોસ્પિટલ પર એકત્રિત થઈ ભારે હોબાળો મચાવ્યો હતો. 
મૃતકના પરિવારે હોસ્પિટલના તબીબની બેદરકારીને કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો. સાથે પરિવારે કઈ રીતે બાઈપાસ સર્ર્જરી કરી તે બતાવવા પણ માંગ કરી હતી. એકત્રિત લોકોએ વળતર ચૂકવવા અંગે પણ ભારે ધાંધલ-ધમાલ મચાવી દેતા મામલો તંગ બની ગયો હતો. ઘટનાને પગલે ઉદ્યોગનગર પોલીસના પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. બાદમાં મૃતદેહને માદરે વતન કેરલા લઈ જવાયો હતો

(6:04 pm IST)