Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

નશામાં ધૂત પાંચ યુવાનો પૈકી એકને દુકાનદારે તમાચો મારતા દુકાનદારની ધરપકડ

વાપી:નાની દમણ ટેક્ષી સ્ટેન્ડ નજીક ધુળેટીના દિવસે દુકાનદારે સુરતના નશામાં ધુત પાંચ યુવાનો પૈકી એકને તમાચો મારી દેતાં જમીન પર પટકાતા બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે દુકાનદારની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. આ કેસની માહિતી છૂપાવવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો.
સુરતના અશ્વિનીકુમાર રોડ પર રહેતા વિશાલ શ્રીકિસન કશ્યપ (ઉ.વ.૨૮) ધુળેટીના દિવસે અન્ય મિત્રો મુન્નુ નારાયણ કશ્યપ, સુશિલ રામરાજ સોનકર, પ્રકાશ લલ્લુપ્રસાદ સોનકર અને અખિલેશ રામસેવક પ્રજાપતિ સાથે દમણની સહેલગાહે આવ્યા હતા. દિવસના દમણમાં આનંદ પ્રમોદ માણી પાંચેય મિત્રો નશામાં ધુત બની ટેક્ષી સ્ટેન્ડ નજીક ઉભા હતા ત્યારે નજીકમાં આવેલી દુકાન પાસે વિશાલ કશ્યપ વોમીટ કરતો હતો. દુકાનદાર અતિકુરહેમાન હનીફ લાખાણીએ યુવાનને આગળ જવા કહ્યું હતું. જે બાબાતે બોલાચાલી થતાં અતિકુરહેમાને વિશાલને તમાચો મારતા તે જમીન પર પટકાતા માથાના ભાગે ગંંભીર ઈજા થતાં બેહોશ થઈ ગયો હતો.
થોડા સમય બાદ વિશાલને બેભાન અવસ્થામાં મરવડની હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આરોપી સુધી પહોંચવા અનેક લોકોના નિવેદનો લીધા છતાં કોઈ કડી મળી ન હતી. પરંતુ સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા આરોપી અતિકુરહેમાન સુધી પહોંચી તેની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઘટના બાદ પોલીસે માહિતી છૂપાવવાનો બાલીસ પ્રયાસ કર્યો હતો.

(6:03 pm IST)