Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

રાજયસભામાં ગુજરાત ભાજપના નેતાઓ રીપીટ થયાનો પ્રથમ પ્રસંગ

રૂપાલા-માંડવીયા સોમવારે ઉમેદવારી કરશેઃ ૩ વખત રાજયસભામાં જનાર રૂપાલા ભાજપમાં એક માત્ર નેતા

રાજકોટ, તા. ૮ :  ગુજરાતમાં રાજય સભાની ભાજપના ભાગે આવતી બે બેઠકો માટે ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા જાહેર થઇ ગયા છે. બન્ને સોમવારે ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસ જો બે જ ઉમેદવાર મુકે તો ચારેય સભ્યો બીનહરીફ થઇ જશે. રૂપાલા કડવા પટેલ અને માંડવીયા લેઉવા પટેલ છે.

 

ગુજરાતમાંથી છેલ્લા ર૦ વર્ષમાં રાજયસભામાં પ્રદેશના ભાજપના કોઇ નેતા રીપીટ થયા હોય તેવું રૂપાલા-માંડવીયાના નામની જાહેરાતથી પ્રથમ વખત બન્યું છે શુભેચ્છકો આ ઘટનાને બન્નેના કામની કદર ગણે છે. બન્નેને કેન્દ્રીયમંત્રી પદે યથાવત રખાતા નજીકના ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારની સંભાવના દેખાતી નથી. શ્રી રૂપાલા અગાઉ ૬ વર્ષ રાજયસભાના સભ્ય રહેલ. ચાલુ ટર્મમાં ૧ાા વર્ષથી સભ્ય છે વધુ ૬ વર્ષ માટે તેમને તક મળી છે. ગુજરાતમાંથી ભાજપના સભ્ય તરીકે ત્રીજી વખત રાજય સભામાં જનાર તેઓ પ્રથમ પ્રદેશ નેતા બનશે. ગુજરાતમાં હવે વિજય રૂપાણી માટે રાજકીય માર્ગ મોકળો જણાય છે. (૯.પ)

(11:48 am IST)