Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પ્રવિણભાઇ તોગડીયાને નિયમ મુજબ સુરક્ષા કાફલો અપાયો હતો કે કેમ? સુરત એસપી પાસે તાકીદે રિપોર્ટ માંગતા જી.એસ.મલ્લીક

વિહીપના આંતરરાષ્ટ્રીય મંત્રીની કારને શંકાસ્પદ અકસ્માતના પગલે થયેલા ગંભીર આરોપોનો પડઘોઃ સાયરન ચાલુ હોવા છતાં ટ્રક કઇ રીતે ઘુસી ગયો? વડોદરાથી સુરત પ્રવાસની વિહિપ કાર્યાલય દ્વારા લેખીત જાણ થતા સુરક્ષામાં ભયંકર બેદરકારી વિ. પ્રકારના આક્ષેપોએ 'દુધનું દુધ અને પાણીનું પાણી' કરવા માટે સુરત રેન્જ આઇજી દ્વારા ધમધમાટ

પ્રવિણભાઇ તોગડીયાને નિયમ મુજબ  સુરક્ષા કાફલો અપાયો હતો કે કેમ? સુરત એસપી પાસે તાકીદે રિપોર્ટ માંગતા જી.એસ.મલ્લીક

રાજકોટ, તા., ૮: વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મંત્રી પ્રવિણભાઇ તોગડીયાની બુલેટપ્રુફ ર્સ્કોપીયો કાર સાથે ટ્રક અથડાયા બાદ પ્રવિણભાઇ તોગડીયા દ્વારા ઝેડ પ્લસ કક્ષાની સુરક્ષા હોવા છતા નિયમો મુજબ તેમને સુરક્ષા ન પુરી પાડવા સાથે ગંભીર પ્રકારના આક્ષેપોની તોપ ધણધણાવતા સુરત રેન્જના આઇજીપી જી.એસ.મલ્લિકે આ બાબતે તાકીદે તપાસ કરી તુર્ત જ પોતાને રીપોર્ટ આપવા માટે સુરત જીલ્લા પોલીસ વડા ડો.મહેશ નાયકને આદેશ કર્યો છે.

ઉકત બાબતે સુરત રેન્જ આઇજીપી જી.એસ.મલ્લિકનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં પ્રવિણભાઇ તોગડીયાની કારને અકસ્માત તથા તેઓને નિયમ મુજબ મળવો જોઇતો સુરક્ષા કાફલો આપવામાં આવ્યો'તો કે કેમ? તે બાબતે સુરત રૂરલ એસપી પાસે તાકીદે રિપોર્ટ માંગ્યાની બાબતને સમર્થન આપ્યું છે.

અત્રે યાદ રહે કે, વડોદરામાં રાત્રી રોકાણ બાદ બુધવારે સવારે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મંત્રી પ્રવિણભાઇ તોગડીયા પોતાના ડ્રાઇવર હરીસિંહ તથા કમાન્ડો સાથે સુરત આવતા હતા ત્યારે કારનું સાયરન ચાલુ હોવા છતા કામરેજ ચાર રસ્તા પાસે એક ટ્રક ચાલક કોઇ ધ્યાન આપ્યા વગર ટ્રક ચલાવતા સ્કોર્પીયો કાર સાઇડમાં ઘસડાઇ હતી. સદનશીબે કોઇને ઇજા થઇ ન હતી.

ઉકત ઘટના બાદ વિશ્વ હિન્દુ પરીષદના આંતરરાષ્ટ્રીય મંત્રી પ્રવિણભાઇ તોગડીયાએ જણાવેલ કે, વડોદરાથી સુરત પ્રવાસની વિશ્વ હિન્દુ પરીષદ કાર્યાલય દ્વારા સુરત પોલીસ તંત્રને જાણ કરવા છતાં ઝેડ પ્લસ સુરક્ષાના નિયમ મુજબ પોતાને મળવો જોઇતો સુરક્ષા કાફલો સુરત પોલીસ દ્વારા અગમ્ય કારણોસર પુરો પાડવામાં આવ્યો ન હતો.  પ્રવિણભાઇ તોગડીયાએ વિશેષમાં એવા પણ આક્ષેપો કર્યા હતા કે, પોતાને હિન્દુ સંગઠનમાંથી દુર કરી શકવામાં અસમર્થ રહેલા ચોક્કસ લોકો દ્વારા પોતાને ખતમ કરવા માટેનું આ કાવતરૂ રચાયાનું પણ જણાવી આ અકસ્માત અંગે અનેક પ્રકારની શંકા-કુશંકાઓ ઉઠાવી હતી.

પ્રવિણભાઇ તોગડીયાના ગંભીર પ્રકારના આક્ષેપો તથા સુરક્ષા વ્યવસ્થામાં રહેલી કહેવાતી બેદરકારીના આક્ષેપોની ગંભીરતા સમજી સુરત રેન્જના કાર્યદક્ષ એવા આઇજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકે તુર્ત જ નિષ્પક્ષ તપાસના આદેશો કર્યા હતા. સુરક્ષા કાફલો સુરત રૂરલ પોલીસ દ્વારા કેવા સંજોગોમાં સામેલ કરવામાં આવ્યો ન હતો વિગેરે બાબતે પણ રેન્જ વડા જી.એસ.મલ્લિક દ્વારા સ્પષ્ટતા મંગાયાનું બહાર આવ્યું છે.

(11:50 am IST)
  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST