Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ખેડબ્રહ્માના શ્યામનગરમાં મધરાત્રે 60 ફૂટ ઊંડા પાણી ભરેલ કુવામાં યુવાન ખાબક્યો:રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો

રામ રાખે તેને કોણ ચાખે :રાતભર મોટર અને કેબલના સહારે રહ્યો :ઇડરની ટીમ દ્વારા બહાર કાઢી દેવાયો

 

ખેડબ્રહ્માના શયમનગર ગામમાં મધરાત્રે 120 ફૂટ ઊંડા અને 60 ફૂટ પાણી ભરેલ કુવામાં એક યુવાન કોઈ કારણોસર પડી જતા તેણે  રાતભર પાણીની મોટર અને કેબલના સહારે વિતાવી હતી જયારે વહેલી સવારે ગ્રામજનોને જાણ થતા તેને બચાવવા કોશિશ કરી હતી જોકે ઇડરની ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને યુવાનને હેમખેમ બહાર કાઢ્યો હતો

 

  અંગેની વિગત મુજબ ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર ગામના વોટર વર્કસના ૬૦ ફૂટ પાણી ભરેલા કુવામાં ગત મોડી રાત્રે કમલેશ રામાભાઈ પરમાર નામનો યુવક કોઈ કારણસર પડી ગયો હતો,અંધારુ હોવા છતાં તેને મોટર અને કેબલનો સહારો મળી ગયો. જેથી પાણીમાં બહાર નીકળીને મોટર ઉપર ઉભો રહી ગયો હતો,અને સવારે મોટર ચાલુ કરવા વાળા કર્મીને ખબર પડતાં ઈડર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ર૦ મિનીટની અંદર તેને હેમખેમ રીતે બહાર કાઢી દેવામાં આવ્યો હતો.

 

 વહેલી સવારે પ.૩૦ કલાકે ગામના વોટર વર્કસના કર્મી ડાહ્યાભાઈ રેવાભાઈ પરમારે ગામમાં પાણી છોડવા માટે મોટર ચાલુ કરી ત્યાં જ ૬૦ ફૂટના અંતરે પાણીની મોટર ઉપર કેબલ પકડીને ઉભા રહેલા કમલેશ પરમારે બચાવો બચાવોની બૂમા બૂમ કરતાં મોટર બંધ કરીને ડાહ્યાભાઈએ ગામ આખું ભેગું કરી દીધું હતું.પરંતુ ગ્રામજનો કમલેશને કાઢી શકવા નિષ્ફળ રહેતાં ડિઝાસ્ટરમાં કોલ પહોંચતાં ઈડર ફાયર બિગ્રેડના ઈન્સ્પેક્ટર કમલ પટેલે તાત્કાલિક ડ્રાઈવર મુકેશ દેસાઈ, ફાયરમેન જીજ્ઞોશ ખરાડી અને સંદીપ પટેલને ૭ કલાકે ઘટનાસ્થળે રવાના કરી દેતાં ફાયર બિગ્રેડની ટીમે કમલેશને હેમખેમ બહાર કાઢવાના રેસ્કયૂ ઓપરેશન અંતર્ગંત બંને ફાયરમેન દોરડાની મદદથી કુવાની અંદર ઉતરીને કમલેશને દોરડાથી બાંધીને ર૦ મિનીટમાં સમગ્ર ઓપરેશન પાર પાડી દેતાં સમગ્ર ગ્રામજનો અને કમલેશના પરીવારજનોએ રાહતનો દમ લીધો હતો.

(9:13 am IST)