Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજ્યમાં હવે ઠંડીમાં ઘટાડો થતાં સોમવારથી સ્કૂલનો સમય રાબેતા મુજબ કરવા શિક્ષણ વિભાગનો નિર્ણય

ઠંડી વધતાં શિક્ષણ વિભાગે સ્કૂલનો સમય અડધો કલાક જેટલો મોડો કર્યો હતો.

અમદાવાદ : ગુજરાતમાં ઠંડી વધતાં શિક્ષણ વિભાગે સ્કૂલનો સમય અડધો કલાક જેટલો મોડો કર્યો હતો. હવે ઠંડીમાં ઘટાડો થતાં આગામી સોમવારથી સ્કૂલનો સમય રાબેતા મુજબ કરવા શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. ઠંડીથી બચવા બાળકો સ્કૂલના યુનિફોર્મ અને સ્વેટર ઉપરાંત કોઈપણ સ્વેટર, જાકીટ, ટોપી, મફલર, શાલ સહિતના કોઇપણ વસ્ત્રો પહેરીને આવે તો સ્કૂલ સંચાલકોએ રોકવા નહીં તેવી સૂચના પણ અપાઈ હતી. પણ હવે વિદ્યાર્થીઓને સ્કૂલમાં રાબેતા મુજબ આવવા આદેશ કરવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં એક વિદ્યાર્થિનીનું વહેલી સવારે સ્કૂલે ગયા બાદ ધ્રુજારી ઉપડ્યા બાદ અવસાન થયું હતું. ત્યારે રાજ્ય સરકારે તમામ સ્કૂલોને તેમની પસંદગી મુજબ સમય બદલવાની મંજૂરી આપી હતી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે સ્કૂલોને સવારના સમયમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આપી છે. ત્યારબાદ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી સ્કૂલોને આ નિર્ણયની જાણ કરી હતી.

(8:39 pm IST)