Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

યાત્રાધામ અંબાજી ખાતે 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન પરિક્રમા મહોત્‍સવ યોજાતા સરકાર દ્વારા માઇભક્‍તોને એસ.ટી. ભાડામાં 50 ટકા રાહત અપાશે

પરિક્રમા મહોત્‍સવમાં જનાર ભક્‍તોએ આધારકાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે

અંબાજી: આદ્યશક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના આયોજન થઈ રહ્યું છે, જેના કારણે સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

પરીક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત અપાશે. યાત્રાના 24 કલાકની મર્યાદામા લાભ મળશે. લાભ લેવા માટે યાત્રાળુ દિઠ આધાર કાર્ડ ઝેરોક્ષ આપવાની રહેશે. જેમાં 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી લાભ આપવાનો રહેશે. જાહેરાતનો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જીલ્લાના લોકોને લાભ મળશે.

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ગામેગામ ફરી રહ્યાં છે અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે.

પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરે ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રાસંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરે છે. તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઇભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવી રહ્યો છે.

(6:22 pm IST)