Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

શકિતપીઠ મહોત્‍સવ માટે આસપાસના પાંચ જિલ્લાઓના યાત્રિકો માટે રાહતદરે બસ સેવા

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તા. ૧૨ થી ૧૬ સુધીની યોજના :આર.આર. રાવલ

રાજકોટ,તા. ૯ : ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રી ૫૧ શકિતપીઠ પરિક્રમ્‍મા મહોત્‍સવ, અંબાજી નિમિતે નજીકના જિલ્લાઓના યાત્રિકો માટે અંબાજી દર્શન માટે રાહતદરની બસ સેવા યોજના અમલમાં મૂકાયેલ છે. બોર્ડના સચિવ આર.આર. રાવલ દ્વારા ગઇ કાલે આ અંગેનો પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે ગુજરાત પવિત્રર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તા. ૧૨/૨ થી તા. ૧૬/૨ દરમિયાન ગબ્‍બર, મુ.અંબાજી, તા.દાંતા, જિ.બનાસકાંઠા સ્‍થળ ‘શ્રી ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્‍સવ' યોજાનાર છે. તે દિવસોમાં દરમિયાન શ્રી અંબાજી માતા, ગબ્‍બર તથા શ્રી ૫૧ શકિતપીઠની પરિક્રમાના દર્શન કરવાના લહાવો ગુજરાતના નાગરીકો લઇ શકે તે હેતુથી ‘અંબાજી દર્શન'નું આયોજન કરવાની બાબત વિચારણા હેઠળ હતી.જેના અનુસંધાને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી ‘શ્રી ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્‍સવ'ના આ પાંચેય દિવસો દરમિયાન અંબાજી દર્શન માટે સુચના પરિપત્રિત કરવામાં આવે છે.

યાત્રાળુની ઉંમર ૧૨ વર્ષ અથવા વધુ હોય તે આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે. એસ.ટી.ની સુપર બસ ભાડા (નોન એ.સી.) તેની ૫૦% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં ૨૫ % રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ૨૫% રકમ અંબાજી ટેમ્‍પલ ટ્રસ્‍ટ/ સ્‍થાનિક સહકારી સંસ્‍થા/ પ્રાયોજકો ભોગવશે. જ્‍યારે બાકીની ૫૦% રકમ યાત્રાળુએ ભોગવવાની રહેશે.

અંબાજી યાત્રાધામમાં ૨૪ કલાક (૧ દિવસ) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવો. યાત્રાળુએ આ યોજનાનો લાભ લેવા, યાત્રાળુ દિઠ આધારકાર્ડની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે. કયા જિલ્લાએ કેટલી બસ ફાળવવી એ સંબંધિત જિલ્લાના કલેકટરએ મુખ્‍ય પરિવહન અધિકારીશ્રી સાથે પરામર્શમાં રહી નક્કી કરવાનું રહેશે. બસ ઉપાડવાનો પોઇન્‍ટ,સ્‍થળ અને સમય તથા અંબાજીથી પરત આવવાનો પોઇન્‍ટ, સ્‍થળ અને સમય સંબંધિત જિલ્લા કલેકટરશ્રીએ વાહન વ્‍યહારની કચેરી તથા કલેકટર બનાસકાંઠાના પરામર્શમાં રહીને નક્કી કરવાનો રહેશે.

(1:09 pm IST)