Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

મેમ્કો પાસે એસટીમાં બેસવા જતાં મહિલાનું નિપજેલું મોત

દુર્ઘટના સીસીટીવીમાં કેદ થતાં લોકોમાં અરેરાટી : બસમાં બેસવા જતા પડી ગયા : મહિલા વ્હીલ નીચે આવી જતાં મોત થયું : બેદરકારીનો વધુ એક કેસ સપાટી ઉપર

અમદાવાદ,તા. ૯ : અમદાવાદ શહેરના નરોડા મેમકો પાસે એસ.ટી બસમાં બેસવા જતાં બસની ટક્કરથી પડી જતાં એક મહિલાનું બસના વ્હીલ નીચે આવી જવાથી કરૂણ મોત નીપજયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ સમગ્ર બનાવ અને અકસ્માતની દુર્ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસ હવે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નરોડા વિસ્તારમાં મેમકો રોડ પર એક એસટી બસમાં બેસવા જતાં બસની ટક્કરથી જ નીચે પડી ગઇ હતી અને બસના વ્હીલમાં આવી ગઇ હતી, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેમનું કરૂણ મોત નીપજયુ હતું.

           મહિલાના મોતને લઇ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. મહિલાના મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં ઈ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ અને હવે એસટી બસ એમ જાહેર પરિવહન સેવાના ડ્રાઇવરો દ્વારા છાશવારે અકસ્માતો સર્જી નિર્દોષ નાગરિકોને ઇજા કે ભોગ લેવાઇ રહ્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે નગરજનોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે.

(9:28 pm IST)