Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ભાજપના વોટસએપ ગ્રુપમાં ફરી અશ્લીલ વિડિયો વિવાદ

કિશોર સોલંકીએ અશ્લીલ વિડિયો શેયર કર્યા : બિભત્સ હરકતને લઇ ભાજપની મહિલા કાર્યકરોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઈ : કાર્યકરને કાઢી મુકવાની માંગ

અમદાવાદ,તા. ૯ : સુરતમાં ભાજપનું વોટ્સએપ ગ્રુપ ફરીથી અશ્લીલ વીડિયો પોસ્ટીંગના કારણે ચર્ચામાં આવ્યું છે. હાલમાં સુરતમાં ભાજપના કાર્યકરે વ્હોટ્સએપ ગ્રુપમાં ચાર અશ્લીલ વીડિયો શેર કરી દેતાં ભારે ચકચાર મચી ગઇ હતી અને તેને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જેને લઇ સુરત ભાજપમાં મોટો વિવાદ સામે આવ્યો હતો. શિસ્તબધ્ધ અને નીતિવાળી પાર્ટી તરીકેની છાપ ધરાવતી ભારતીય જનતા પાર્ટીની ઇમેજને આ પ્રકારની ખુદ ભાજપના જ નેતાઓ અને કાર્યકરો દ્વારા સામે આવતી હરકતોને લઇ બહુ ગંભીર લાંછન લાગી રહ્યું છે. બીજીબાજુ, સુરત ભાજપ મહિલા પાંખમાં આ બનાવને લઇ ઉગ્ર આક્રોેશની લાગણી ફેલાઇ ગઇ હતી અને આવા કાર્યકરને પક્ષમાંથી હાંકી કાઢવા ઉગ્ર માંગ કરાઇ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના લીંબાયત વોર્ડ નંબર-૨૪ના ભાજપના કાર્યકર કિશોર સોલંકીએ સુરત ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક અશ્લીલ વીડિયો શેર કર્યા હતા. જેને પગલે ભાજપની મહિલા કોર્પોરેટર, ધારાસભ્ય સહિત ગ્રુપ મેમ્બર મહિલાઓ પણ આ ગ્રુપની મેમ્બર હોઇ તેઓ ભારે શરમજનક અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ હતી. ભાજપની મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગણી કરી હતી. દરમ્યાન સુરત કોંગ્રેસના નેતા બાબુ રાયકાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા કે, ભાજપના કાર્યકરો, નેતાઓ અને આગેવાનો દારૂની મહેફિલ માણતાં અને આવા અશ્લીલ કાંડોમાં છાશવારે ખુલ્લા પડતા હોવાછતાં તેઓની વિરૂધ્ધ કોઇ જ કાર્યવાહી ભાજપના મોવડીમંડળ દ્વારા કરવામાં આવતી નથી, તે ખરેખર નિંદનીય અને શરમજનક કહી શકાય. હતા.  અગાઉ પૂર્વ મેયર રાજેન્દ્ર દેસાઇએ પણ આ પ્રકારના મેસેજ વાયરલ કર્યા હતા. ભાજપની માનસિકતા અને નીતિરીતિ આવા બનાવોને પગલે પ્રજા સમક્ષ ખુલ્લી પડી જાય છે તેવું પણ રાયકાએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલાં જ સુરતના કોર્પોરેટર દારૂની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપાયા હતા, તેમછતાં પક્ષ દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી, ત્યારે તેને લઇને પણ કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

(9:27 pm IST)