Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

હવે જો રાંધેલો કે તૈયાર ખોરાક ખુલ્લો રાખીને વેચ્યો ખેર નથી, થશે બે લાખનો દંડ

અમદાવાદ તા. ૯ : રાજયમાં છેલ્લા કેટલાક સમયથી આરોગ્યને લઇને અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ સ્વાઇન ફલૂ અને ડેન્ગ્યૂ જેવા રોગોએ માઝા મૂકી છે, બીજી તરફ બજારમાં મળતાં બિનઆરોગ્યસ્પ્રદ ચીજવસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. આવા ખોરાકને કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગે જાહેરનામુ બહાર પાડ્યું છે કે ખુલ્લો ખોરાક વેચી શકાશે નહીં.

નવા નિયમ પ્રમાણે રાજયમાં ખાદ્યચીજ વસ્તુઓનો વેપાર કરતાં તમામ ફુડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ કે હોટલ વિગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહીં. ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે.

ખુલ્લો રાંધેલો ખોરાક વેચવો એ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ (લાયસન્સીંગ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન ૨૦૧૧ના શિડ્યુલ-૪ ના ભાગ-૧ના નિયમ નંબર ૧૭ નો ભંગ છે જે કલમ-૫૮ મુજબ રૂ.૨ લાખ સુધીના દંડને પાત્ર ગુનો છે. આથી કોઇપણ પ્રકારે ખુલ્લો ખોરાક વેચનાર ફુડ બિઝનેશ ઓપરેટર સામે એકટની જોગવાઇના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર ઓફ ફુડ સેફટી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.(૨૧.૫)

(10:05 am IST)