Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ઐતિહાસિક સ્‍થળોનો રૂ. ૧૦૦ કરોડના ખર્ચે વિકાસ કરાશેઃ વડનગર, મોઢેરા, પાટણનો સમાવેશ

ગાંધીનગર : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વતન વડનગરને ટુરિઝમ તરીકે વિકસાવવા માટે કેન્‍દ્ર - રાજ્ય સરકાર કાર્યરત બની છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વડનગર, પાટણ અને મોઢેરાને ટુરિસ્ટ સરકિટ તરીકે વિકસાવવા માટે રુ. 100 કરોડનું ફંડ ફાળવ્યું છે. જે અંતર્ગત વડનગરના વિખ્યાત બૌદ્ધ ઐતિહાસિક સ્થળોને આવરી લેતી હેરિટેજ વૉક પણ બનાવાશે.

રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે હેરિટેજ વૉક માટે લોકલ ગાઇડ તરીકે સ્થાનિક યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. વૉકમાં વડનગરની આસપાસ આવેલ બૌદ્ધ અને જૈન ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરાશે. તાજેતરમાં મુખ્ય સચિવ જે.એન. સિંહ પણ ટુરિઝમ ડેવલોપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા વડનગર પહોંચ્યા હતા.

ટુરિઝમ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એસ.જે. હૈદરે કહ્યું કે, ‘નવી ટુરિસ્ટ સરકિટ વડનગર, તરંગા, મોઢેરા અને પાટણને જોડશે. વડનગરનો ઐતિહાસિક વારસો ખૂબ સમૃદ્ધ છે અહીં 3-4 કિમીના વિસ્તારમાં સોલંકી રાજાઓના સમયમાં બંધાયેલ બૌદ્ધ ઐતિહાસિક સ્થળો આવેલા છે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘ગામમાં બૌદ્ધ સ્થળો ઉપરાંત શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મંદિર, તાના રિરિ સાઇટ, પંચમ મહેતાની વાવ બધા સ્થળોને પણ હેરિટેજ સાઇટ તરીકે વિકસાવાશે. ઉપરાંત અમે અહીં એક મ્યુઝિયમ બનાવવાનું પણ વિચારી રહ્યા છીએ.

સ્થળને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવાથી સ્થાનિક રોજગારી પણ વધશે. અહીંના સ્થાનિક યુવાનોને અમે ગાઇડ તરીકે ટ્રેનિંગ આપીશું. તેમજ વડનગરના રેલવે સ્ટેશનને પણ ગુજરાત સરકાર અને રેલવે મિનિસ્ટ્રી સાથે મળીને ડેવલોપ કરશે. જ્યાં વડાપ્રધાન મોદી ચાનો સ્ટોલ ધરાવતા હતા.

વડનગરનો ઉલ્લેખ અનેક ભારતીય પૌરાણિક સાહિત્યોમાં અને 7મી સદીમાં ભારત આવેલ ચીનના પ્રવાસી હીઉ-એન-ત્સાંગના પ્રવાસ વર્ણનમાં પણ જોવા મળે છે. જેમાં વડનગરને એક સમૃદ્ધ અને વિકસિત ગામ તરીકે વર્ણવાયું છે.

(5:41 pm IST)