Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ફરીથી ચર્ચામાં

બદલાશે ગુજરાત ચૂંટણીનું પરિણામ? ૨૦ બેઠકોના પરિણામો સામે હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ તા. ૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ગત ડિસેમ્બર મહિનામાં યોજાઈ ગઈ, પરંતુ હવે ફરીથી વિધાનસભાની ચૂંટણીઓએ ચર્ચા જગાવી છે. રાજયની વિધાનસભાની ૨૦ બેઠકોના પરિણામોને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેને પગલે ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

હકીકતમાં ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં અલગ-અલગ લોકો દ્વારા ૨૦ અરજીઓ કરવામાં આવી છે, જેમાં ૫ હજારથી ઓછા મતોના માર્જિનથી જીતાયેલી બેઠકોના પરિણામોને પડકારાયા છે. રસપ્રદ વાત એ છે કે, તેમાંથી ૧૬ બેઠકો એવી છે, જેમાં જીતનું અંતર ૩ હજાર મતોથી પણ ઓછું છે.

જે બઠકોના પરિણામોને પડકારાયા છે, જેમાં અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક કે જેના પરથી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા જીત્યા છે, કાંટાની ટક્કરવાળી પોરબંદર બેઠક કે જેના પર બાબુ બોખરિયાએ અર્જૂન મોઢવાડિયાને હરાવ્યા, ગોધરા કે જેના પરથી ભાજપના સી કે રાઉજી માત્ર ૨૫૦ મતોથી જીત્યા છે, બેઠકો મુખ્ય છે. તે ઉપરાંત અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી જીતનારા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની જીતને પણ ચેલેન્જ કરાઈ છે. લગભગ ૨૦ અલગ-અલગ અરજીઓ દ્વારા વિધાનસભા ચૂંટણીઓના પરિણામોને ચેલેન્જ કરાયા છે. આ ઉપરાંત જમાલપુર- ખાડિયા, દેવભૂમિ દ્વારકા, માંડવી, પાટણ, ગાંધીનગર ઉત્તર અને ગારિયાધર બેઠક સહિતની બેઠકોના પરિણામોને પડકારાયા છે.

ગુજરાત હાઈકોર્ટમાં ગુરુવારે આ મામલે અલગ-અલગ વકીલો દ્વારા અરજી કરવામાં આવી, જેમાં પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્મા મુખ્ય અપીલકર્તા છે. તેમણે કોર્ટમાં ભાજપ અને કોંગ્રેસના એ બધા નેતાઓની જીત સામે અરજી કરી છે, જેમની જીતનું અંતર ૫ હજારથી ઓછા મતોનું છે. ગુજરાત હાઈકોર્ટ ટૂંક સમયમાં જ આ મામલે સુનાવણી શરૂ કરશે.(૨૧.૮)

(10:19 am IST)